ગુજરાત યુનિવર્સિટીએ દાખલ કરેલા બદનક્ષીના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને 23મેએ કોર્ટમાં હાજર થવાનું શનિવારે સમન્સ પાઠવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીને મુદ્દે ગુજરાત યુનિવર્સિટી સામે કેજરીવાલ અને સંજય સિંહ બદનક્ષી થાય તેવો કટાક્ષ કર્યો હતો.
રાઈટ ટુ ઈન્ફર્મેશનની જોગવાઈ હેઠળ પીએમ મોદી એમએની ડિગ્રી વિશે જાણકારી માગવામાં આવી હતી. જે આપવાનો ગુજરાત યુનિવર્સિટીએ ઈનકાર કર્યો હતો. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત યુનિવર્સિટીના નિર્ણયને માન્ય રાખતાં દિલ્હીના કેજરીવાલને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કેજરીવાલે મોદીની ડિગ્રી સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, “ડિગ્રીની માહિતી ના આપવામાં આવી કારણ કે બની શકે કે ડિગ્રી નકલી હોય. સંજય સિંહે કહ્યું હતું કે, હાલ તેઓ વડાપ્રધાનની નકલી ડિગ્રીને અસલી બનાવવા માટે મથી રહ્યા હશે. યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે આવા કટાક્ષથી એવી છાપ ઊભી થાય છે કે યુનિવર્સિટી નકલી ડિગ્રી આપે છે.