બોમ્બે હાઇકોર્ટે કાળા નાણાંના નિવારણ કાયદા હેઠળ આવકવેરા વિભાગે અનિલ અંબાણી પાસે માંગેલી પેનલ્ટી અને શો-કોઝ નોટિસ પર વચગાળાનો સ્ટે યથાવત રાખ્યો હતો. અગાઉ હાઇકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૨માં શો-કોઝ નોટિસની બાકી સુનાવણી પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
પિટિશનની સુનાવણી શરૂ કરવામાં આવી ત્યારે એડવોકેટ અખિલેશ્વર શર્માએ આવકવેરા વિભાગ વતી એફિડેવિટ ફાઇલ કરવા બે સપ્તાહનો સમય માંગ્યો હતો. કોર્ટે ૨૧ એપ્રિલ સુધીમાં એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે, “પિટિશનની સુનાવણી ૨૮ એપ્રિલે કરવામાં આવશે. અગાઉ શો-કોઝ નોટિસ અને પેનલ્ટીની માંગ પર સ્ટેના અપાયેલા વચગાળાના આદેશ નવા ચુકાદા સુધી ચાલુ રહેશે.” ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે અનિલ અંબાણીને ૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સ્વિસ બેન્કના બે ખાતાંમાં છુપાવેલા રૂ.૮૧૪ કરોડથી વધુના ભંડોળ પર રૂ.૪૨૦ કરોડની કથિત કરચોરી માટે નોટિસ આપી હતી. અનિલ અંબાણી સામે બ્લેક મની એક્ટની કલમ ૫૦ અને ૫૧ હેઠળ કાર્યવાહી ચાલુ થઈ હતી.