કિશોરાવસ્થામાં સીરિયા ખાતે ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપમાં જોડાનાર શમિમા બેગમને યુકે પરત આવવા પર સુપ્રીમ કોર્ટે મનાઇ ફરમાવી છે.
કોર્ટે શુક્રવારે સર્વસંમતીથી આપેલા એક ચૂકાદામાં જણાવ્યું હતું કે, જ્યારે તેની પરત આવવાની મંજૂરી ફગાવવામાં આવી છે ત્યારે તેના કોઇ અધિકારોનું ઉલ્લંઘન થયું નથી. 21 વર્ષીય બેગમ ઘરે પરત આવીને હોમ સેક્રેટરીના તેની બ્રિટિશ નાગરિકતા રદ્ કરવાના નિર્ણયને પડકારવા ઇચ્છે છે. અત્યારે તે ઉત્તરીય સીરિયામાં સશસ્ત્ર સૈનિકોના નિયંત્રણમાં રહેલા એક કેમ્પમાં રહે છે. ચે ફેબ્રુઆરી 2015માં જ્યારે તેમની ઉંમર 15 વર્ષની હતી ત્યારે તેઓ ઇસ્ટ લંડન સ્કૂલની અન્ય બે વિદ્યાર્થિનીઓ સાથે યુકે છોડીને ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપમાં જોડાવા સીરિયા ગયા હતા. વર્ષ 2019માં તત્કાલીન હોમ સેક્રેટરી સાજિદ જાવિદે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની નાગરિકતા રદ્ કરી હતી.
ગત જુલાઇમાં કોર્ટ ઓફ અપીલે એવો ચૂકાદો આપ્યો હતો કે, બ્રિટનમાં તેને મંજૂરી આપવા માટે એકમાત્ર ન્યાયી વિકલ્પ એ હતો કે તેઓ ઉત્તરીય સીરિયાના કેમ્પમાં રહીને તે નિર્ણય સામે અસરકારક રીતે અપીલ કરી શક્યા નહોતા. ત્યારબાદ હોમ ઓફિસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને જણાવ્યું હતું કે, કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને ફરીથી ધ્યાનમાં લેવામાં આવે અને એવી દલીલ કરી હતી કે, તેમને યુકેમાં પરત આવવાની મંજૂરી આપવાથી ‘દેશની સુરક્ષા સામે મહત્ત્વપૂર્ણ જોખમો ઊભા થશે.’
શુક્રવારે, સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ રીડે જણાવ્યું હતું કે, શમિમા બેગમને યુકેમાં આવતા અટકાવવાએ સરકારનો અધિકાર છે.
ચૂકાદો જાહેર કરતા લોર્ડ રીડે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સર્વસંમતીથી હોમ સેક્રેટરીની તમામ અપીલ્સને મંજૂરી કરે છે અને તેની સામેની બેગમની અપીલને રદ્ કરે છે.