વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના “વૈજ્ઞાનિક સર્વેક્ષણ”ને મંજૂરી આપી હતી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) આ સરવે કરશે. જોકે કોર્ટે શિવલિંગ મળી આવ્યો હોવાનો હિન્દુ પક્ષે દાવો કર્યો છે તે બેરિકેડેડ ‘વઝુખાના’ના સરવેની મંજૂરી આપી નથી. કોર્ટે ASIને 4 ઓગસ્ટ સુધીમાં તેનો સાયન્ટિફિક રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.
આ કેસમાં હિન્દુ અરજદારોનો દાવો છે કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં અગાઉ ભગવાન શિવનું મંદિર હતું. મુસ્લિમ પક્ષે સરવેનો વિરોધ કરતા હતો, તેથી કોર્ટના ચુકાદાથી મુસ્લિમ પક્ષને ફટકો પડ્યો હતો.
આ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ચુકાદાની નકલ વાંચી અને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. વજુખાના સિવાયની તમામ પશ્ચિમી દિવાલ અને ત્રણેય થાંભલા સહિત સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવશે.
કોર્ટે સમગ્ર જ્ઞાનવાપી પરિસરની પુરાતત્વીય અને વૈજ્ઞાનિક તપાસની માંગ સંબંધિત કેસમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ 14 જુલાઇએ ચૂકાદાને પેન્ડીંગ રાખ્યો હતો અને કહ્યું હતું કે 21 જુલાઇના રોજ તેના પર ચૂકાદો સંભળાવવામાં આવશે.
વારાણસીની 4 મહિલાઓ વતી આ માંગણી કરવામાં આવી છે, જેમના નામ છે- લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક. આ મહિલાઓએ 16 મેના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે.