પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દિલ્હી હાઈકોર્ટે યુએસમાં રહેતા ભારતીય દંપતીને તેમના લગ્નની નોંધણી કરાવવા માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપી હતી. કોર્ટે દંપતીને સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલ સમક્ષ હાજર થવા અને પરિસરમાંથી વીડિયો કોન્ફરન્સમાં જોડાવાનો આદેશ આપ્યો હતો.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે “સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજદારોને તેમના લગ્નની નોંધણીના હેતુ માટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવા માટે પરવાનગી આપે.”

અરજદાર દંપતીએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ તેમની કારકિર્દી બનાવવા માટે અમેરિકા ગયા છે. દંપતીએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની એક હોટલમાં હિંદુ પરંપરા અને રીતરિવાજો અનુસાર 10મે 2022ના રોજ લગ્ન કર્યાં હતા. મહિલા H1B વિઝા પર અમેરિકામાં રહેતી હતી અને ત્યાં નોકરી કરી હતી. જોકે આ વર્ષે જાન્યુઆરીમાં તે જે કંપનીમાં નોકરી કરતી હતી ત્યાં મોટાપાયે છટણી કરાઇ હતી, જેમાં તેને પણ નોકરી ગુમાવી હતી.

અરજીમાં જણાવાયું હતું કે અમેરિકામાં રહેવાનું ચાલુ રાખવા માટે મહિલાએ ડિપેન્ડન્ટ વિઝા મેળવવા પડશે, જેના માટે લગ્નની નોંધણીના પ્રમાણપત્રની જરૂર છે. અરજદારોએ હાઈકોર્ટના અગાઉના આદેશ પર આધાર રાખ્યો હતો જેમાં એક યુગલને તેમના લગ્નની નોંધણી માટે સંબંધિત ઓથોરિટી સમક્ષ વર્ચ્યુઅલી હાજર રહેવાની મંજૂરી અપાઈ હતી.

દિલ્હી સરકારના વકીલે રજૂઆત કરી હતી કે AI ટેક્નોલૉજીની પ્રગતિને ધ્યાનમાં રાખીને કોઈ અરજદારોની નકલ કરે તેવી શક્યતાને નકારી શકાય નહીં, અને આને ટાળવા માટે તેમને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવે.

LEAVE A REPLY