ભારતમાં કોરોના મહામારી શરૂ થયાના આટલા મહિના પછી પણ કેસો ઘટનાવું નામ નથી લઈ રહ્યા. દેશમાં પહેલી વખત એક જ દિવસમાં કોરોનાના 55078 નવા કેસ નોંધાતા કુલ આંકડો ભયજનક સપાટીની નજીક જઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો 16 લાખને ઓળંગી ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55078 કેસ નોંધાતા કુલ કેસ 1638870 થઈ ગયા છે.
જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને 64.54 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 37223 દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને 1057805 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા બમણી થઈ ગઈ છે.
જ્યારે છેલ્લા 24 કલાકમાં 779 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 35747 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 545318 એક્ટિવ કેસ છે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે 411798 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે 14729 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 239978 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 3838 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 134403 કેસ નોંધાયા છે જ્યારે 3936 લોકોએ જીવ ગુમાવ્યા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં 130557 કેસ નોંધાયા છે જ્યારે 1281 લોકો મોતને ભેટ્યા છે.
આંધ્રપ્રદેશ બાદ પાંચમાં સ્થાન પર કર્ણાટકમાં અત્યાર સુધીમાં 118632 કેસ નોંધાયા છે જ્યારે 2230 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ 81039 કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે 67692 કેસ સાથે પશ્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. 60717 કેસ સાથે આઠમાં ક્રમ પર તેલંગાણા અને નવમાં ક્રમ પર ગુજરાત છે જ્યાં 60287 લોકો સંક્રમણમાં આવ્યા છે તેમાંથી 2418 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 17295674 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી 672774 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10123361 લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે 6499539 કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.