કેટલાંક પક્ષો દેશના અર્થતંત્રને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવાનો આક્ષેપ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતને “શોર્ટકટ પોલિટિક્સ” નહિ, પરંતુ ટકાઉ વિકાસની જરૂર છે. વિકાસ તરફનો સંકુચિત અભિગમ માત્ર મર્યાદિત તકો જ ઊભી કરશે. મોદી મહારાષ્ટ્રમાં રૂ.75,000 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલારોપણ કર્યા પછી સંબોધન કરી રહ્યાં હતા.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષમાં દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ માનવીય સ્પર્શ સાથે થયો છે. વડા પ્રધાને નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું તથા નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. તેમણે નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું તથા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS), નાગપુરનું ઉદ્ઘાટન કર્યું હતું.
નાગપુરમાં AIIMS કેમ્પસમાં આયોજિત સમારોહમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે તમામ રાજ્યોની સંયુક્ત તાકાત, પ્રગતિ અને વિકાસ દ્વારા એક વિકસિત ભારત વાસ્તવિકતા બની શકે છે. આપણે વિકાસ પ્રત્યે સંકુચિત અભિગમ ધરાવીએ છીએ, ત્યારે તકો પણ મર્યાદિત હોય છે. છેલ્લા આઠ વર્ષોમાં, અમે ‘સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ સાથે માનસિકતા અને અભિગમ બદલ્યો છે.
શોર્ટકટ પોલિટિક્સ રમતા, કરદાતાઓના નાણાંની લૂંટી ચલાવતા અને ખોટા વચનો દ્વારા સત્તા કબજે કરતા રાજકારણીઓ સામે સાવધ રહેવાનો લોકોનો અનુરોધ કરતાં મોદીએ જણાવ્યું હતું કે શોર્ટકટ રાજનીતિથી દેશનો વિકાસ ન થઈ શકે. કેટલાક રાજકીય પક્ષો દેશની અર્થવ્યવસ્થાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકોએ આવા રાજકારણીઓ અને પક્ષોને ખુલ્લા પાડવા જોઈએ. મારી તમામ રાજકીય નેતાઓને અપીલ છે કે શોર્ટકટ રાજકારણને બદલે ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે ટકાઉ વિકાસથી ચૂંટણી જીતી શકો છો. અગાઉ કરદાતાઓના પૈસા ભ્રષ્ટાચાર અને વોટબેંકની રાજનીતિમાં વેડફાઈ જતા હતા.
સમાજના વંચિત વર્ગો ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર માટે પ્રાથમિકતા હોવા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે ટકાઉ વિકાસ અને ટકાઉ ઉકેલે ગુજરાતમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની મોટી જીતનો માર્ગ મોકળો કર્યો છે. તેમણે કહ્યું કે આયુષ્માન ભારત યોજના સામાજિક માળખાગત વિકાસનું ઉદાહરણ છે, જ્યારે જન ધન યોજના નાણાકીય માળખાકીય વિકાસનું ઉદાહરણ છે.