નવી દિલ્હીમાં રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનના બેઠકના બીજા દિવસે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્યો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હાર પહેરાવીને સ્વાગત કરાયું હતું. (PTI Photo)

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓને આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટી ફરી સત્તામાં આવે તેની ખાતરી કરવા માટે નવા મતદારો, લાભાર્થીઓ અને સમાજના દરેક વર્ગ સાથે જોડાવા માટેનું આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે વિશ્વના દેશો પણ જાણે છે કે “આયેગા. તો મોદી હી”. આજે વિશ્વના દરેક દેશ ભારત સાથે ગાઢ સંબંધો બનાવવા પર ભાર આપી રહ્યા છે. ચૂંટણી હજુ બાકી છે, પરંતુ મને જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી જુદા જુદા દેશોમાંથી આમંત્રણ છે. આનો અર્થ એ છે કે વિશ્વના વિવિધ દેશો પણ ભાજપ સરકારના પુનરાગમન અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે.

નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાં આવેલા આશરેગ 11,500  પ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના મોટા લક્ષ્યાંકોને હાંસલ કરી શકે તે માટે મજબૂત જનાદેશ સાથે ભાજપની સત્તામાં વાપસી ખૂબ જ અગત્યની છે. ભવ્ય વિજય માટે આગામી 100 દિવસો માટે ભાજપના કાર્યકરોએ નવી ઉર્જા, જોમ અને ઉત્સાહ સાથે કામ કરવું જરૂરી છે. તેઓ સત્તાભોગ માટે નહીં, પરંતુ દેશના હિત માટે ત્રીજી ટર્મ માંગી રહ્યાં છે.

વડાપ્રધાને વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ તમામ પ્રકારના ખોટા વચનો આપે છે, પરંતુ દેશને વિકસિત બનાવવા માટે કોઇ રોડમેપ નથી.

સમાજના દરેક વર્ગનો સંપર્ક કરવાનું ભાજપના કાર્યકરોને આહ્વાન કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેઓએ દરેકનો વિશ્વાસ જીતવો પડશે. જ્યારે દરેક પ્રયાસ કરશે, ત્યારે ભાજપ 370થી વધુ બેઠકો જીતશે અને તેની આગેવાની હેઠળનું NDA 543 સભ્યોના ગૃહમાં 400થી વધુ બેઠકો જીતશે.  આપણે સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશના નિર્માણ માટે દરેક સાથે જોડાવું પડશે.

સરકારની વિદેશ નીતિની ટીકા કરતાં વિવેચકોને ટાર્ગેટ કરતાં મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયા સાથે ભારતના સંબંધો સૌથી મજબૂત છે. ઘણા દાયકાઓ પછી યુએઈની મુલાકાત લેનારા તેઓ પ્રથમ પીએમ હતા. કોંગ્રેસ સરકાર પશ્ચિમ એશિયાને પાકિસ્તાનના પરિપ્રેક્ષ્યમાં જોતી હતી.પાંચ આરબ દેશોએ તેમને સર્વોચ્ચ સન્માન આપ્યું છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ વૈચારિક મતભેદોને કારણે નહીં પરંતુ તેમના પરના તેના વલણને કારણે આંતરિક વિભાજનથી ત્રસ્ત છે. કોંગ્રેસનો એક વર્ગ વ્યક્તિગત હુમલાઓ સહિત તમામ રીતે તેમની છબીને કલંકિત કરવામાં માને છે, જ્યારે બીજો  વર્ગ આ અભિગમ ટાળવા માંગે છે.મોદીને ગાળો આપવી અને મારા પર ખોટા આરોપો લગાવવા તે તેના નેતાઓનો સિંગલ પોઈન્ટ એજન્ડા બની ગયો છે.

LEAVE A REPLY