સાઉદી અરેબિયા અને બીજા ઓપેક દેશોએ રવિવાર, 2 એપ્રિલે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં દૈનિક આશરે 1.6 મિલિયન બેરલનો કાપ મૂકવાની સરપ્રાઇઝ જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વિશ્વમાં ઊર્જાના ભાવમાં વધારો થવાની ધારણા અને અમેરિકાએ આ નિર્ણયની ટીકા કરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એનર્જીના ભાવમાં ઉછાળો આવ્યો છે ત્યારે ક્રૂડ ઓઇલના મુખ્ય ઉત્પાદક દેશ સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં મે મહિનાથી દૈનિક પાંચ લાખ બેરલનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. તે 2023ના અંત સુધી ઉત્પાદનમાં આ કાપ મુકશે. આ નિર્ણયથી સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે સંબંધો વધુ કથળવાની ધારણા છે.
યુએઇએ ઉત્પાદનમાં દૈનિક 144,000 બેરલ, કુવૈતે 128,000 બેરલ, ઓમાને દૈનિક 40,000 બેરલ અને અલ્જેરિયાએ 48,000 બેરલનો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. કઝાખસ્તાન પણ ઉત્પાદનમાં દૈનિક 78,000 બેરલ અને રશિયા 5 લાખ બેરલનો ઘટાડો કરશે.
સાઉદીના ઊર્જા પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે તે ઓપેક અને નોન ઓપેક સભ્ય દેશોના સંકલનમાં ઉત્પાદનમાં ઘટાડો કરાશે. જોકે તેમણે આવા દેશોના નામ આપ્યા ન હતા. ગયા ઓક્ટોબરમાં પણ સાઉદીએ ઉત્પાદનમાં કાપ મૂક્યો હતો. તેનાથી બાઇડન સરકારે નારાજગી વ્યક્ત કરી હતી અને તેના પરિણામ ભોગવવા પડશે તેવી ચીમકી આપી હતી.
ઊર્જા મંત્રાલયે આ હિલચાલને ઓઇલ માર્કેટમાં સ્થિરતા લાવવાના હેતુ સાથે સાવધાનીનું પગલું ગણાવ્યું હતું. ઉત્પાદનમાં આ ઘટાડો સાઉદીના કુલ ઉત્પાદનના આશરે પાંચ ટકા થાય છે. સાઉદીએ 2022માં સરેરાશ દૈનિક 1.15 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કર્યું હતું.
અગાઉ અમેરિકામાં મધ્યસત્ર ચૂંટણી પહેલા સાઉદીએ ઉત્પાદનમાં દૈનિક 20 લાખ બેરલનો કાપ મૂક્યો હતો. આ કાપ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં વાસ્તવમાં ઘટાડો થયો હતો. ગયા સપ્તાહના અંતે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ 80 ડોલર હતા, જે ઉત્પાદનમાં કાપ મૂકાયો ત્યારે એટલે કે ઓક્ટોબરના પ્રારંભમાં 95 ડોલર હતા. સાઉદી અરેબિયાની સરકારી કંપની અરામ્કોનો નફો ગયા વર્ષે 46 ટકા ઉછળીને 161 અબજ ડોલર થયો હતો.