લંડનના મેયર સાદિક ખાને અપરાધ પરના 30 મિલિયન પાઉન્ડના ભંડોળ માટે 2016માં મેયર તરીકે ચૂંટાયા બાદ પહેલી વખત વાર્ષિક કાઉન્સિલ ટેક્સ બિલમાં લગભગ £40ના વધારો કરવાની જાહેરાત કરી છે. આમ સરેરાશ ‘બેન્ડ ડી’ પ્રોપર્ટીઝ પર કાઉન્સિલ ટેક્સ લેખે 2023-24થી દર વર્ષે £38.55 વધુ ચૂકવવા પડશે. ગયા વર્ષે 8.8 ટકાનો વધારો કરાયા બાદ આ વર્ષે 9.7 ટકાનો વધારો કરાયો છે. આનો અર્થ એ છે કે સરેરાશ કુટુંબ વાર્ષિક £434.14 વધુ ચૂકવશે.
નવા નિયમો મુજબ ટેક્સમાંથી £15 મેટ્રોપોલિટન પોલીસ માટે 500 વધારાના પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસર્સ (PCSOs)ને પગાર ચૂકવવા, £3.55 લંડન ફાયર બ્રિગેડ માટે વાપરવામાં આવશે.
ખાને કહ્યું હતું કે “દર મહિને કાઉન્સિલ ટેક્સમાં કરાતો £3.21નો વધારો સુનિશ્ચિત કરશે કે અમે પોલીસ, પરિવહન અને લંડન ફાયર બ્રિગેડ સહિત અમારી મહત્વપૂર્ણ ફ્રન્ટલાઈન જાહેર સેવાઓને સુરક્ષિત કરી શકીએ.
GLA કન્ઝર્વેટિવ્સના ડેપ્યુટી લીડર પીટર ફોર્ચ્યુને કહ્યું હતું કે ‘’સાદિક ખાન ચૂંટાયા ત્યારથી કાઉન્સિલ ટેક્સ 57 ટકા વધ્યો છે. ULEZ સૌથી ગરીબોને લક્ષ્ય બનાવે છે. મેયર પોતાના નાણાકીય ગેરવહીવટની ભરપાઈ કરવા માટે લંડનવાસીઓની આંખમાં પાણી લાવે છે.”