જી-20 નેતાઓએ ભારતની બહારના કામદારો માટેના ઊંચા રેમિટન્સ ખર્ચના મુદ્દા પર વધુ ભાર મૂક્યો છે અને 2027 સુધીમાં રેમિટન્સના ખર્ચના દરને સરેરાશ 3 ટકા સુધી લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, એમ નાણા મંત્રાલયના એક ટોચના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. હાલમાં, રેમિટન્સ ખર્ચ સરેરાશ ધોરણે દરેક ટ્રાન્ઝેક્શનના 6 ટકા જેટલો છે, એમ તેમણે જણાવ્યું હતું.
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના આર્થિક સલાહકાર ચંચલ સરકારે જણાવ્યું હતું કે “ભારતની બહાર નોકરી કરતા કામદારો અને મજૂરોએ ઊંચો રેમિટન્સ ખર્ચ સહન કરવો પડે છે, અને G20 નેતાઓએ આ દરમાં ઘટાડો કરવા માટે ઘણું મહત્વ આપ્યું છે. 2027 સુધીમાં તેને સરેરાશ 3 ટકા સુધી લાવવાનું લક્ષ્ય છે.”
સરકાર 9-11 જાન્યુઆરી દરમિયાન કોલકાતામાં યોજાયેલી G20ની નાણાકીય સર્વસમાવેશિતા માટેની પ્રથમ વૈશ્વિક ભાગીદારીની બેઠક પહેલા એક બ્રીફિંગમાં બોલી રહ્યાં હતા. ભારત હાલમાં એક વર્ષ માટે જી-20નું અધ્યક્ષ છે.
વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવતા દેશોની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે. ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન પ્લેનરી સેશનમાં સંબોધતા મંગળવાર, 10 જાન્યુઆરીએ ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વિદેશી ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવેલ રેમિટન્સ વર્ષ 2022 માટે લગભગ USD 100 બિલિયન હતું, જે એક વર્ષમાં 12 ટકાનો વધારો છે.