મનરેગાના આશરે રૂ.18 કરોડના ભંડોળની કથિત ઉચાપત સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ઝારખંડના ખાણકામ સચિવ પૂજા સિંઘલ અને તેમના પરિવાર સહિતના સંખ્યાબંધ ઠેકાણે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ રાંચીમાં બે જગ્યાએથી રૂ.19.31 કરોડની રોકડ પણ જપ્ત કરી હતી. આ કેસ 2008-11 દરમિયાન ઝારખંડના ખુંટી જિલ્લામાં મનરેગા ફંડના ઉચાપત સંબંધિત છે. સિંઘલ 2000ની બેચના આઇએએસ અધિકારી છે અને તેઓ અગાઉ ખુન્ટી જિલ્લાના ડેપ્યુટી કમિશનર હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રાંચીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમ ફાઇનાન્શિયલ એડવાઇઝરના ઠેકાણાથી આશરે રૂ.17.51 કરોડની કેશ ઝડપી લીધી હતી. આ સીએ આઇએએસ ઓફિસર સાથે લીન્ક ધરાવતા હોવાનું માનવામાં આવે છે. બીજી એક જગ્યાથી રૂ.1.8 કરોડ રોકડ જપ્ત કરાયા હતા. રાજ્યમાં ગેરકાયદે માઇનિંગમાં રાજકીય નેતાઓ અને ઉચ્ચ અમલદારો વચ્ચેની સાંઠગાંઠનો સંકેત આપતા સંખ્યાબંધ દસ્તાવેજ પણ જપ્ત કરાયા હતા. ઇડીએ ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, પંજાબ અને બીજા કેટલાંક રાજ્યોમાં આશરે 18 જગ્યાએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ આ કાર્યવાહી કરી હતી.
સીઆરપીએફની ટીમની સુરક્ષા સાથે ઇડીના અધિકારીઓએ રાંચીમાં એક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ પર પરણ દરોડા પાડ્યા હતા.આ હોસ્પિટલના પ્રમોટર્સ અને તેમની લિન્કની તપાસ ચાલુ છે. ઝારખંડના ભાજપના સાંસદ ગોડ્ડા નિશિકાંત દુબેએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન હેમંત સોરેને ભ્રષ્ટાચારના મામલે અગાઉની મધુ કોડા સરકારને પાછળ રાખી દીધી છે. રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે અને લાંચ વગર કોઇ કામ થતાં નથી