ભારતમાં ઓમિક્રોનના નવા વેરિયન્ટ XEનો પ્રથમ કેસ મુંબઈમાં નોંધાયો છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે જણાવ્યું છે કે શહેરમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ XEનો પ્રથમ કેસ નોંધાયો છે. નવા વેરિયન્ટના દર્દીને કોઇ ગંભીર લક્ષણો નથી. મુંબઈનો આ દર્દી 50 વર્ષનો કોસ્ચ્યુમ ડિઝાઇનર છે અને ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકાથીી પરત આવ્યા હતા. તેઓ 2 માર્ચે કોરોના પોઝિટિવ આવ્યા હતા.
નોંધનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ ગયા સપ્તાહે જ ઓમિક્રોનના નવા મ્યુટન્ટ XE વેરિયન્ટ અંગે ચેતવણી ઉચ્ચારી હતી. આ વેરિયન્ટ કોવિડ-19ના કોઈ પણ વેરિયન્ટ કરતાં વધારે ચેપી છે.
બીએમસી (BMC) કમિશનર ઈકબાલ સિંહે જણાવ્યું હતું કે, બીએમસીની કસ્તુરબા હોસ્પિટલ અને પુણેમાં નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીમાં નેક્સ્ટ જનરેશન જીનોમ સીક્વેલિંગ લેબમાં 376 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તેમાંથી 230 સેમ્પલ મુંબઈના રહેવાસી હતા. તેમાંથી એક દર્દીમાં ઓમિક્રોનના XE વેરિયન્ટની પુષ્ટી થઈ છે.
સંશોધકોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિયન્ટના સ્ટ્રેનમાં ફેરફાર XE વેરિયન્ટના રૂપમાં થયા છે. આ ઓમિક્રોનની તુલનામાં 10 ટકા વધારે ટ્રાન્સમિસેબલ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આ વેરિયન્ટને લઈને ચેતવણી જાહેર કરી છે. ડબલ્યુએચઓ એ કહ્યું છે કે આ વેરિયન્ટ અંગે સૌથી પહેલા યુકેમાં 10 જાન્યુઆરીએ જાણવા મળ્યું હતું. અત્યાર સુધી તેના 600 સિક્વેન્સીસના રિપોર્ટ આવ્યા છે અને પુષ્ટી પણ થઈ છે. શરૂઆતના અભ્યાસ પ્રમાણે XE વેરિયન્ટ BA.2ની તુલનામાં 10 ઘણો વધારે ચેપી છે.