ગુજરાતમાં બેકાબુ બનેલા કોરોનાના ફેલાવાના પગલે હાઈકોર્ટની ટકોર પછી મંગળવારે રાત્રે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરેલી જાહેરાતો મુજબ બુધવારથી રાજ્યના તમામ મોટા શહેરો – 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ રહેશે અને તે 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત કોઈ મોટા રાજકીય તેમજ સામાજિક કાર્યક્રમો યોજી શકાશે નહીં, લગ્ન સમારંભમાં પણ 100 લોકોને જ આમંત્રણની મર્યાદા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારની આરોગ્ય ખાતાની ઉચ્ચ સ્તરિય ટીમ ગુજરાતની મુલાકાતે આવશે અને સ્થિતિની સમીક્ષા કરશે. રાજ્ય સરકારની તમામ કચેરીઓમાં શનિવાર-રવિવારની રજા રહેશે.
નાનાં શહેરો અને છેક ગામડાંઓ સુધી કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો છે. સુરતમાં કોરોનાના કેસોમાં જંગી વધારાથી સ્થિતિ ગંભીર બની રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. સરકારી ચોપડે જે આંકડા દર્શાવવામાં આવે છે તેના કરતા વાસ્તવિક આંકડાઓ તો ખુબ જ અલગ છે. હાલમાં સુરતમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી કે ખાનગી હોસ્પિટલમાં બેડ જ ખાલી નથી. શહેરમાં વધતા જતા કોરોનાના ચેપને કારણે ઓક્સિજનનો પુરવઠો ખૂટી રહ્યો છે.
આ પરિસ્થિતિને લક્ષમાં લઇને ગુજરાત હાઈકોર્ટે મંગળવારે, 6 એપ્રિલે એવું અવલોકન રજૂ કર્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી છે. કોરોનાના ચેપની સાંકળ તોડવી જરૂરી છે. રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનું લોકડાઉન, કર્ફ્યૂ લાદવા અને વીકએન્ડ કર્ફ્યૂ બાબતે સરકારે જરૂરી નિર્ણય લેવો જોઈએ
રાજ્યમાં જાહેર કાર્યક્રમો પર અંકુશ લાવવા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાનો ફેલાવો અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે. હાઇકોર્ટના આ સૂચનને ધ્યાનમાં લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર જરૂરી પગલાં લેવાની તૈયારીમાં છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠે સરકારને આ સૂચનો કર્યા છે. અનેક જિલ્લાઓ અને તાલુકાના ગામડાંઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે, ધડાધડ એક પછી એક જગ્યાએ લોકડાઉન જાહેર કરવામાં રહ્યું છે. ખુદ વેપારી એસોસીએશન પણ માની રહ્યા છે કે રાજ્યમાં વીકેન્ડ પર લોકડાઉન કરવું જોઈએ. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે.