સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થતાં અમદાવાદમાં સોમવારે નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. શહેરના 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો સોમવારે નિર્ણય કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગર વિસ્તારમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
ઉપરોક્ત તમામ વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો હતો. ગુજરાતમાં રવિવારે કોરોના વાઇરસના 810 નવા કેસ નોંધાયા હતા.