કોરોના વાયરસે ફક્ત જાનમાલની જ નહીં પરંતુ આર્થિક પાયમાલી પણ નોતરી છે. ચીનમાં જન્મેલા આ ખતરનાક વાયરસના કારણે વિશ્વમાં હજારો લોકોનાં મોત થયા છે ત્યારે આ વાયરસના કારણે સમગ્ર વિશ્વ લૉકડાઉનની સ્થિતિમાં છે. આ સ્થિતિને જોતા વિશ્વની નાણાકીય ભંડોળ પૂરું પાડતી સંસ્થા ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના વડા દ્વારા મોટું નિવેદન કરવામાં આવ્યું છે. આઈએમફના વડાએ આગાહી કરી છે કે કોરોના કારણે સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીની શરૂઆત થઈ ગઈ છે અને વિશ્વ 2009 કરતાં પણ વધુ ખરાબ સ્થિતિમાં ધકેલાશે.
આઇએમએફના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે કોરોનોવાયરસ રોગચાળાએ વિશ્વની અર્થવ્યવસ્થાને મંદી તરફ ધકેલી દીધી છે, જેના લીધે વિકાસશીલ દેશોને મદદ કરવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડશે. પત્રકારોને સંબોધિત નિવેદનમાં તેમણે કહ્યું કે, તે સ્પષ્ટ છે કે આપણે મંદીમાં પ્રવેશ કર્યો છે, જે વર્ષ 2009 ના વૈશ્વિક નાણાકીય કટોકટીથી પણ ખરાબ છે.આઇએમએફના વડાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 80 થી વધુ દેશોએ આ વૈશ્વિક સંગઠન પાસેથી કટોકટીની મદદ માંગી છે.
આ વૈશ્વિક મંદીની અસર બે બાબતો પર નિર્ભર રહેશે. પ્રથમ એ છે કે કોરોનાનો ખાત્મો કેટલો દૂર છે? બીજું, વિશ્વનું ટોચનું નેતૃત્વ તેને નાથવા માટેનો વ્યવહાર કરવા માટે કેટલા કડક પ્રયત્નો કરે છે. જ્યોર્જિવાએ જણાવ્યું હતું કે આઈએમએફને આશા છે કે આ આર્થિક મંદીમાંથી બજારને બહાર કાઢતા લાંબો સમય લાગસે. અમે 2021માં રિકવરીને અપેક્ષા રાખી રહ્યા છીએ. અમને આશા છે કે વિશ્વ કોરોનાની ઝપટમાંથી બહાર આવશે.કોરોના વાયરસના કારણે ભારતમાં પણ 21 દિવસનું લૉકડાઉન છે. સમગ્ર વિશ્વનાં પોણા પાંચ લોકોને ઝપટમાં લેનારા વાયરસના કારણે 21 હજારથી વધુ લોકોનાં મોત થયા છે.