અમેરિકામાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામતા લોકોના આંકડા સતત વધી રહ્યા છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની અસર ઘટવાની શરૂઆત થઈ ગઈ છે તેવો દાવો કર્યો હતો. ટ્રમ્પના કહેવા પ્રમાણે હવે તેઓ કોરોના વાયરસ સામેની લડાઈના આગળના સ્ટેજમાં છે, મતલબ કે અમેરિકાને ખોલવાની દિશામાં વધુ આગળ પગલા ભરવામાં આવશે. એક કાર્યક્રમમાં ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા કોરોનાને માત આપી રહ્યું છે અને લાખો અમેરિકન્સ ઘણા લાંબા સમયથી ઘરોમાં બંધ છે જેથી તેઓ વિજય મેળવી રહ્યા છે.
અત્યાર સુધીમાં હજારો અમેરિકી લોકોનો જીવ બચાવી લેવાયો છે અને હવે ધીમે-ધીમે અમેરિકાને ખોલવાનું કામ શરૂ કરવામાં આવશે. અમેરિકામાં કોરોનાના કારણે મરતા લોકોની સંખ્યામાં પાછલા 24 કલાકમાં ફરી એક વખત ઉછાળો નોંધાયો છે તેવા સમયમાં ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2,333 લોકોના મોત થયા છે અને તે સાથે જ કુલ મૃતકઆંક 71,000ના આંકડાને પાર કરી ગયો છે.
ટ્રમ્પે કરેલા દાવા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં નવા કેસ અને મૃત્યુની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે જે અનેક દેશો કરતા વધુ સારી સ્થિતિ દર્શાવે છે. સાથે જ તેમણે અમેરિકા એક માત્ર એવો દેશ છે જ્યાં 70 લાખથી પણ વધારે લોકોનો કોરોના વાયરસ ટેસ્ટ થયો છે તેવો દાવો કર્યો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે ધીમે-ધીમે અમેરિકાને ખોલવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને અનેક રાજ્યોમાં મહદઅંશે ઢીલ મુકવામાં આવી છે. અમેરિકાના અનેક રાજ્યોમાં પબ, રેસ્ટોરા વગેરે ખુલવાનું ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ ટ્રમ્પ પોતાની ચૂંટણી રેલીઓની શરૂઆત પણ કરી દેશે.