દુનિયાના 192થી વધારે દેશો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. મહામારીના કારણે 14,616 લોકોના મોત થયા છે. ચીન પછી ઈટાલીમાં સૌથી વધારે લોકો પ્રભાવિત થયા છે. ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે કુલ 5,476 લોકોના મોત થયા છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 48 કલાકમાં કોરોના કેસમાં બમણો વધારો થયો છે. ત્યારપછી સરકારે બુધવારથી લોકડાઉનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્કૂલ, વ્યવસાયો અને સામુદાયિક સેવાઓમાં જોડાયેલા લોકોને બે દિવસનો તૈયારીનો સમય આપ્યો છે.
અમેરિકામાં પણ કોરોના વાઈરસ ઘૂસી ગયો છે. અહીં રવિવારે 24 કલાકમાં 14,550 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 100થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 33,276 લોકોને ઈન્ફેક્શન થયું છે. જ્યારે 419 દર્દીઓના મોત થયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કારણે ચિંતિત છે. કારણકે ચીને સમયસર અમેરિકાને વાઈરસ વિશે જાણ ન કરી.ટ્રમ્પે કહ્યું કે, હું ચીનના કારણે થોડો પરેશાન છું. હું તેમની સાથે પ્રમાણિક છું, રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના દેશનું સન્માન કરું છું.
તેમણે અમને આ વિશે જાણ કરવાની જરૂર હતી. અમેરિકાએ ચીનમાં નિષ્ણાત ડોક્ટર્સ મોકલવાની રજૂઆત પણ કરી હતી પરંતુ ચીને કોઈ પ્રતિક્રિયા નહતી આપી.કેનેડા તેમના એથલિટ્સને 2020 ઓલિમ્પિક ગેમ્સ માટે ટોક્યો નહીં મોકલે. કોરોના વાઈરસના વધતા પ્રકોપના કારણે દેશના ઓલિમ્પિક કમિટી અને પેરાલ્મિપક કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંગઠને એક વર્ષ માટે ગેમ ટાળવાની વાત કરી છે. દેશમાં ઈન્ફેક્શનના 1470 કેસ સામે આવ્યા છે. જ્યારે કુલ 20 લોકોના જીવ ગયા છે.
ઈટાલીના સિવિલ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે રવિવાર સુધીમાં ઈન્ફેક્શનનો આંકડો 59,138 સુધી પહોંચી ગયો છે. જ્યારે 5,476 લોકોના મોત થયા છે. જોકે સામે 7,024 લોકો સાજા પણ થઈ ગયા છે. ઈટાલીમાં 21 ફેબ્રુઆરીએ પહેલો કેસ સામે આવ્યો હતો. તેના એક મહિના પછી મહામારી રોકવા માટે દેશની અંદરની દરેક યાત્રાઓ રોકવામાં આવી છે. ઈટાલીમાં ચીન કરતા વધારે લોકોના મોત થયા છે.
અમેરિકામાં એક જ દિવસમાં 14,550 કેસ નવા નોંધાયા છે. તેમાંથી એક તૃતિયાંશ કેસ માત્ર ન્યૂયોર્ક શહેરના છે. અહીં 24 કલાકમાં 12,345 કેસ નોંધાયા છે. અમેરિકામાં એવરેજ 1800 લોકો દીઠ 5 ડોક્ટર છે. જ્યારે ભારતમાં 1800 લોકો પર દીઠ 1 ડોક્ટર જ છે. દેશમાં રવિવારે વગર કારણે ફરનાર 32 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બ્રાઝીલમાં કોરોનાના 208 નવા કેસ સામે આવ્યા છે.
તે સાથે જ અહીં 7 વધુ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 1178 લોકોને કોરોના વાઈરસનું ઈન્ફેક્શન થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 18 લોકોના મોત થયા છે.યુરોપમાં બીજો સૌથી પ્રભાવી દેશ સ્પેન છે. અહીં રવિવાર સુધીમાં 1756 લોકોના મોત થયા છે. ત્યારપછી સરકારે 11 એપ્રિલ સુધીમાં ઈમરજન્સી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સ્પેનમાં 28,603 લોકોને ઈન્ફેક્શન થયું છે.