કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.
અહીં બુધવારે કોરાના વાઈરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યો છે. 593 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 68203 નોંધાયા છે. હંગેરીમાં સીનિયર બ્રિટીશ રાજદૂત સ્ટિવન ડીકનું કોરોના વાઈરસના કારણે મોત થયું છે. તેમની ઉંમર 37 વર્ષ હતી. તઓનું મોત મંગળવારે થયું હતું.
ફિલિપાઈન્સમાં કોરોના વાઈરસના દર્દીઓની સારવાર કરતા કરતા નવ ડોક્ટર આ વાઈરસના સંક્રમણનો ભોગ બન્યા અને મોતને ભેટ્યા છે. દર્દીઓના ધસારાને લઈને પહેલાથી જ હોસ્પિટલો ઉપર લોડ વધી રહ્યો છે તેમા આ નવ ડોક્ટરના મોતથી ફિલિપાઈન્સ સરકાર ચિંતિત છે.
આ ડોક્ટરનો મોત બાદ તેમની સાથે કામ કરતા મોટી સંખ્યામાં સ્ટાફને ક્વારેન્ટાઈન કરાયો છે. તેથી અહીં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ છે. અહીં મૃત્યુઆંક 38 થયો છે. અહીંની ત્રણ મોટી હોસ્પિટલોએ એવી જાહેરાત કરી છે કે અમારી હોસ્પિટલમાં ક્ષમતા કરતા વધારે દર્દીઓ છે તેથી હવે નવા કોરોનાના દર્દીઓને સમાવવાની અહીં જગ્યા નથી.