ઓસ્ટ્રેલિયા અને યૂરોપિયન યૂનિયને કોરોનાની મહામારી અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પાસે જવાબની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ભારત સહિત 62 દેશોએ આ વાતનું સમર્થન કર્યુ છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની 73મી બેઠકમાં આ અંગેનો એક પ્રસ્તાવ મુકવામાં આવશે. આ બેઠક આજથી શરૂ થશે.
પ્રસ્તાવમાં કોરોનાને રોકવા માટે કરવામાં આવેલા WHOના કામ અને તેના માટે નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં સભ્ય દેશોને સામેલ કરવામાં આવે.
આ દેશોન સલાહથી તપાસ માટે હાલની પ્રણાલી સાથે એક તબક્કાવાર પ્રક્રિયા અપનાવવી જોઈએ. મહામારી સામેના નિવેડા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવેલા કામથી કેવા અનુભવ મળ્યા, તેની સમીક્ષા કરવી જોઈએ. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી, ડબલ્યૂએચઓનો જ એક ભાગ છે. ઓસ્ટ્રેલિયા પહેલો એવો દેશ છે, જેને દુનિયાભરમાં કેવી રીતે કોરોના ફેલાયો તેની તપાસ કરવાની માંગ કરી છે.
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી મૈરિસ પેને ગત મહિને આ કેસ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહામારી ફેલાવાની તપાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભવિષ્યમાં આવનારી મહામારી સામે પહોંચી વળવા અને લોકોને સુરક્ષિત રાખવામાં મદદ મળશે. મને લાગે છે કે WHOને કોરોના ફેલાવાની તપાસની મંજૂરી આપવી શિકારીને શિકારની રખવાળી સોંપવા જેવું છે.
યૂરોપિયન યૂનિયનના સમર્થન સાથે રજુ કરાયેલા તપાસ પ્રસ્તાવનું સમર્થન કરનારા મુખ્ય દેશમાં જાપાન, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ અને કેનેડા સામેલ છે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની બેઠક આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખતા વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાશે. ભારત તરફથી આમા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સામેલ થશે. આ બેઠકના બે દિવસ પછી જ 22 મેના રોજ WHOના એક્ઝિક્યૂટિવ બોર્ડની બેઠક યોજાશે.