કેરળમાં મંગળવારે કોરોના વાયરસનો નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં લગભગ 2,421 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના સૂત્રોએ બુધવારે જણાવ્યું કે, તેમાંથી 100 લોકોને અલગ-અલગ હોસ્પિટલોમાં એઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. મંગળવારે ભારતે ચીનના નાગરિકો અને વીતેલા બે અઠવાડિયામાં ચીન ગયેલા વિદેશીઓના વીઝા રદ કરવાના નિયમોને વધારે કડક બનાવી દીધા છે. બે ફેબ્રુઆરીએ ચીનના યાત્રીઓ અને ત્યાંથી ભારત આવનારા વિદેશી નાગરિકો માટે ઈ-વીઝા સુવિધા પર રોક લગાવવામાં આવી હતી.
ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસને કરાણે 490 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યાંજ હોંગકોંગ અને ફિલિપાઇન્સમાં 1-1 યુવકના મોત થયા છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, દેશના 31 પ્રાંતમાં 24,324 કેસની પુષ્ટિ થઈ છે. મંગળવારે કોરોના વાયરસથી સંક્રમિત 3,887 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 431 લોકો ગંભીર રીતે બિમાર છે જ્યારે 262 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હોંગકોંગથી જાપાનના યોકોહામાં પહોંચેલા પેસેન્જર ક્રૂઝમાં લગભગ 10 લોકોને આ વાયરસનો ચેપ કન્ફર્મ થયો છે. જાપાનના સ્વાસ્થ્ય મંત્રી કટસુનોબુ કાટોએ પત્રકારોને જણાવ્યું હતું કે, પેસેન્જર ક્રૂઝમાં 10 યાત્રીઓને કોરોના વાયરસનો ચેપ કન્ફર્મ થયો છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ યાત્રીઓને 14 દિવસ સુધી ક્રૂઝ પર જ રહેવાનું જણાવ્યું છે. ક્રૂઝમાં 3700 લોકો ફસાયેલા છે. જેમાં 2,666 યાત્રી અને 1045 ક્રૂ મેમ્બર્સ છે.