કોરોના વાઇરસના લીધે સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ઓછાયો ઘેરાઇ રહ્યો છે. જો કોરોના વાઇરસના સંક્રમણને જેમ બને તેટલું વહેલું નિયંત્રણમાં લેવામાં નહીં આવે તો વૈશ્વિક આર્થિક મંદી આવવાની આશંકા છે અને તેનાથી યુરોપિયન અર્થતંત્રને એક મોટો આંચકો લાગશે. આ ચેતવણી યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડે આપી છે. આ સાથે તેમણે ગુરુવારે કેટલાંક પગલાં લેવામાં આવશે તેના સંકેત આપ્યા હતા.
ક્રિસ્ટીના લેગાર્ડે કોન્ફરન્સમાં યુરોપિયન યુનિયનના નેતાઓને ચેતવણી આપતા કહ્યું કે, જો તેને રોકવામાં નિષ્ફળ ગયા તો આપણે એવી પરિસ્થિતિ જોઇશું જે વર્ષ 2008માં આવેલી વૈશ્વિક આર્થિક મંદીની યાદ અપાવશે. લેગાર્ડે કહ્યું કે, અમે નીતિ પગલાં લેવા માટે તમામ પાસાંઓનું નિરિક્ષણ કરીશું, ખાસ કરીને ‘સુપર-સસ્તુ’ ફન્ડિંગ ઉપલબ્ધ કરાવવા અને તરલતાની ખાતરી કરવાના ઉપાય અને ધિરાણનો પ્રવાહ બંધ ન થવા અંગે વિચારીશું.તેમ છતાં તેમણે ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્રીય બેન્કોના પગલાંઓ ત્યારે જ અસર કરશે
જ્યારે સરકાર પોતાની શક્તિ તેની પાછળ કામે લગાડશે, બેન્કો અસરગ્રસ્ત ક્ષેત્રોને ધિરાણ સુવિધા આપી રહી છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ઇમર્જન્સી એક્શન લેવામાં આવ્યું તેની પગલાં જ ક્રિસ્ટીન લેગાર્ડે નિવેદન આપ્યું હતું. નોંધનિય છે કે, બેન્ક ઓફ ઇંગ્લેન્ડે આજે બુધવારે વ્યાજદરમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડાની જાહેરાત કરી, જેનો ઉદ્દેશ્ય નાણાંકીય તરલતા જાળવી રાખવાનો છે. વધુમાં કહ્યું કે, આવશ્યકતા પડશે ત્યારે અન્ય પગલાં પણ લેઇશું. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ લેગાર્ડના નિવેદનનો પડધો પાડતા કહ્યું કે, ઉપરોક્ત પગલાં વૈશ્વિક મંદીને રોકવામાં મદદ કરશે.