કોરોના વાઈરસનો રોગચાળો વિશ્વના વધુને વધુ દેશોમાં કેર વર્તાવી રહ્યો છે, જેના પગલે પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં ઉત્પાદન નિયંત્રણો વિષે મતભેદોના પગલે પેટ્રોલિયમ પેદાશોના નિકાસકાર દેશોના સંગઠન ઓપેકમાં મતભેદો સર્જાયા હતા અને સાઉદી અરેબિયાએ સંગઠનની શિસ્ત તોડી નાખતા ક્રુડ ઓઈલના ભાવોમાં સોમવારે 30 ટકાની આસપાસનો મોટો કડાકો બોલી ગયો હતો. ઓપેકના ભાગલા અને પેટ્રોલિયમ પેદાશોની માંગ ઘટતાં તેમજ વિશ્વભરમાં પ્રવાસન તેમજ આવશ્યક મુસાફરીમાં પણ કોરોનાના રોગચાળાના કારણે થયેલા અસાધારણ ઘટાડાના પગલે પ્રવાસન ઉદ્યોગમાં, એરલાઈન્સની કમાણીમાં મંદીના ટકોરા સંભળાવા લાગ્યા હતા.
અમેરિકા, યુકે, યુરોપ અને ભારત સહિત વિશ્વભરના સ્ટોક માર્કેટ્સમાં સોમવારે એક જ દિવસમાં પાંચ થી સાત ટકાનો ભાવ કડાકો નોંધાયો હતો. ભારતમાં મુંબઈ શેરબજારનો સેન્સેક્સ દિવસ દરમિયાન 2400 પોઈન્ટથી વધુ તૂટ્યા પછી દિવસના અંતે 1940 પોઈન્ટ ઉતરી ગયો હતો. ભારતની સૌથી મોટી ખાનગી પેટ્રોલિયમ કંપની અને ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરના ભાવમાં એક દાયકાનો સૌથી મોટો, 12 ટકાનો તેમજ ઓએનજીસીમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તકેદારીના પગલાંરૂપે અખાતી દેશ કતારે ભારત સહિત કેટલાય દેશોના લોકો માટે કામચલાઉ ધોરણે પ્રવેશબંધી ફરમાવી હતી.