કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે તેમ-તેમ એક પછી એક રાજ્ય સરકારો હરકતમાં આવી રહી છે. ભારત પર સર્જાયેલા આ અભૂતપૂર્વ સંકટના કારણે હવે દેશના 23 રાજ્યોએ લોકડાઉન જાહેર કર્યુ છે. આ રાજ્યોમાં કુલ 82 જિલ્લાઓને લોકડાઉન કરવામાં આવ્યા છે.પંજાબ એવુ રાજ્ય છે જેણે આખા રાજ્યમાં કરફ્યુનુ એલાન કર્યુ છે.
રવિવારના જનતા કરફ્યુ બાદ આજથી તમામ રાજ્યોએ લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરવા માંડ્યો હોવાથી જાણે આખો દેશ થંભી ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યોએ એસટી બસ સેવાઓ થંભાવી દીધી છે.રેલવેએ 31મી સુધી ટ્રેનો નહી દોડાવવાની જાહેરાત પણ કરી છે.બીજી તરફ ફેક્ટરીઓ પણ બંધ છે.રાજસ્થાન બાદ પંજાબ સરકારે પણ આખા રાજ્યને 31 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.
સીએમ અમરિન્દર સિંહે રાજ્યની જનતાને કોરોના વાયરસ સામે લડવા માટે તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે. આ પહેલા રાજ્ય સરકારે રાજ્યના કેટલાક જિલ્લાઓને જ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં જલંધર, સંગરુર જેવા જિલ્લાઓનો સમાવેશ થતો હતો.
જોકે કોરોનાના વધી રહેલા કેસને જોતા રાજ્ય સરકારે 31 માર્ચ સુધી આખા રાજ્યને લોકડાઉન કરવાનુ નક્કી કર્યુ છે. જોકે જીવન જરુરિયાતની વસ્તુઓ જેવી કે દુધ, શાકભાજી ,અનાજની દુકાનો તેમજ મેડિકલ સ્ટોરને ખુલ્લા રાખવામાં આવશે.આ સિવાય કોઈ દુકાનો ખુલ્લી નહી રહે.