જાપાન, ઈરાન અને દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. દક્ષિણ કોરિયામાં વધુ 594 કેસ નોંધાયા છે ત્યારે મૃત્યુઆંક પણ વધીને 17 થયો છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 47 લોકોના મોત થતા કોરોના વાઈરસને લીધે મૃત્યુ પામનારનો આંક 2,835 થયો છે. ભારતે પણ સાવચેતીના પગલારૂપે જાપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝ ઓન અરાઈવલની સુવિધા રદ્દ કરી દીધી છે. આ ઉપરાંત ઈરાન સાથેની તમામ ઉડ્ડાન સેવા રદ્દ કરી દીધી છે.
ચીન બાદ દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસની ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ કોરિયાએ તેના નાગરિકોને ઘરોની અંદર જ રહેવા માટે ફરમાન કર્યું છે. દક્ષિણ કોરિયામાં કોરોના વાઈરસના વધુ 594 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 2,931 થઈ છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં મૃતકોનો આંક વધીને 17 થયો છે. બીજીબાજુ ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC)એ શનિવારે કોરોના વાઈરસને લીધે વધુ 47 લોકોના મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 2,835 થયો છે.
આ ઉપરાંત કોરોના વાઈરસના સંક્રમણના વધુ 427 નવા કેસ નોંધાયા છે,જે અગાઉના દિવસે 327 કેસ નોંધાયેલા હતા, આ સાથે ચીનમાં કોરોના સંક્રમણના 79,251 કેસ થયા છે અને સમગ્ર વિશ્વમાં કુલ 83,000 કેસ નોંધાયા છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 245 લોકો સંક્રમિત થયા છે. મહિલા અને પરિવાર બાબતના મસુઓમેહ ઈબ્ટેકર પણ ગુરુવારે સંક્રમિત થયા હોવાના અહેવાલ છે. ઈરાનમાં કોરોનાને લીધે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. ચીન અત્યાર સુધીમાં ઈરાનને 2.5 લાખ માસ્ક મોકલી ચુક્યું છે.
ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે વાઈરસની કોઈ રાષ્ટ્રીય સીમા હોતી નથી. જાપાન, દક્ષિણ કોરિયા, ઈટાલી અને ઈરાન જેવા દેશોમાં કોરોના વાઈરસ ઝડપભેર ફેલાઈ રહ્યો છે. આફ્રિકાના કેટલાક દેશોમાં પણ સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. ઈટાલીમાં પણ અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે, જ્યારે 650 કેસ નોંધાયા છે. ન્યુઝીલેન્ડે શુક્રવારે કોરોના વાઈરસના પ્રકોપને જોતા સાવચેતીના ભાગરૂપે ઈરાનથી આવતા પ્રવાસીઓ પર હંગામી ધોરણે પ્રતિબંધ મુક્યો છે. નાઈજીરિયામાં 27 ફેબ્રુઆરીના રોજ વાઈસરના કેસ નોંધાય હતા. સબ-સહારા આફ્રિકામાં પણ પ્રથમ કેસ નોંધાયો છે. નાઈઝીરિયાના આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. પડોશી દેશ પાકિસ્તાને પણ ઈરાનને જોડતી તેની તમામ ઉડ્ડાન સેવા રદ્દ કરી છે. આ ઉપરાંત તે અગાઉથી જ ઈરાન સાથેની સરહદ બંધ કરી ચુક્યું છે.