હાલમાં તો સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ લડી રહ્યું છે પરંતુ કેટલાક એવા પણ દેશો છે જ્યાં આ કહેર વધતો જ ગયો છે અને ત્યાં પરિસ્થિતિ ક્યારે થાળે પડશે તે કહેવું મુશ્કેલ છે. આ વાયરસના સૌથી વધુ કેસ સુપર પાવર અમેરિકામાં છે.સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે. જોકે, આ બંને મામલે હવે સ્પેન તેમનાથી આગળ નીકળી રહ્યું છે. આ ત્રણેય દેશોમાં છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે પરિસ્થિતિ બદતર થઈ રહી છે તે જોઈને વિશ્વના તમામ દેશો આઘાતમાં છે.
અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ 2,90,920 લોકો કોરોનાથી ચેપગ્રસ્ત બન્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 7,844 લોકોના મોત નીપજ્યા છે. શરૂઆતમાં ટ્રમ્પ સરકારે થોડી બેદરકારી દાખવી હતી અને હાલ પણ તે વધારે સતર્ક નથી. અહીં એક તરફ સ્ટેટ્સના ગવર્નર જરૂરી મેડિકલ સાધનો માટે વિનંતી કરી રહ્યા છે ત્યારે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક જેવી સૌથી બેઝિક જરૂરિયાત પર પણ ધ્યાન આપી રહ્યા નથી.
શનિવારે વધુ 440 લોકોના મોત નીપજ્યા છે.શુક્રવારે અમેરિકામાં રેકોર્ડ 1,480 લોકોના મોત નીપજ્યા હતા. કોરોના વાયરસના કારણે કોઈ એક દેશમાં એક જ દિવસે એક હજારથી વધુ લોકોના મોત નીપજ્યા હોય તેવી આ પ્રથમ ઘટના હતી. અગાઉ ગુરૂવારે પણ અહીં 1,169 લોકોના મોત નીપજ્યા હતા. થોડા દિવસ પહેલા ટ્રમ્પની ટીમના નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે દેશમાં કોરોનાના કારણે 1 લાખથી 2.4 લાખ લોકોના મોત થઈ શકે છે.
બીજી તરફ ઈટાલીમાં કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વૃદ્ધોની સૌથી વધુ વસ્તી ધરાવતા ઈટાલીમાં સૌથી વધુ 14,681 લોકોના મોત નીપજ્યા છે. સૌથી વધારે ડેથ રેટ (12.26) વાળા ઈટાલીમાં શનિવારે અત્યાર સુધી 80 લોકોના મોત નીપજ્યા છે. દિવસ પૂરો થતા સુધીમાં આ આંકડો ક્યાં પહોંચે છે તે જોવાનું રહેશે. અહીં કોરોનાના 1,19,827 કેસ આવ્યા છે.
શુક્રવારે ઈટાલીમાં 766 લોકોના મોત નીપજ્યા હતા જે છેલ્લા કેટલાક દિવસોની સંખ્યાથી ઓછી સંખ્યા હતા અને આ વાત તેમાં ઘટાડો થશે તે તરફ ઈશારો કરે છે. ઈન્ફેક્શન રેટમાં પણ ગુરૂવારની તુલનામાં ઘટાડો નોંધાયો હતો. એક મોટા રાહતના સમાચાર એ છે કે શનિવારે ઈટાલીમાં આઈસીયુના કેસમાં પણ ઘટાડો નોંધાયો હતો. અગાઉ બે-ત્રણ દિવસ મૃત્યુ આંકમાં ઘટાડો થયો હતો પરંતુ બાદમાં એકદમ ઉછાળો આવી ગયો હતો.
વિશ્વમાં સૌથી વધારે ઈન્ફેક્શન અને મોતના કેસમાં યુરોપ ટોચ પર છે. યુરોપમાં સૌથી વધારે મોત ઈટાલીમાં થયા છે પરંતુ ઈન્ફેક્શનનો દર સ્પેનમાં ઝડપથી વધી રહ્યો છે. સ્પેન માટે આ એક મોટા ખતરાની ઘંટડી છે. સ્પેનમાં શનિવારે અત્યાર સુધી 809 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ કોરોનાથી મરનારાઓની સંખ્યા 11,744 સુધી પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં તેમાં ઘટાડો થયો છે. બે દિવસથી આ આંકડો 900થી નીચે રહ્યો છે જે રાહતનો સંકેત માનવામાં આવે છે.
ચિંતાની વાત એ છે કે અહીં ઈન્ફેક્શનના 1,24,736 કેસ નોંધાયા છે અને ડેથ રેટ 9.47 ટકા છે. એક દિવસમાં મરનારાઓની સંખ્યામાં ઘટાડો જોતા વડાપ્રધાન પેડ્રો સશેજે આશા વ્યક્ત કરી છે કે હવે તેમાં ઘટાડો નોંધાશે પરંતુ સાથે તેમણે તે પણ કહ્યું છે કે હાલમાં દેશમાં ચાલી રહેલું લોકડાઉન 25 એપ્રિલ સુધી જારી રહેશે.