સેફહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1600 ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે ગયા સપ્તાહે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.500ના સુધારા સાથે રેકોર્ડ 42900 બોલાઇ ગયું હતું. જ્યારે ચાંદીમાં ઝડપી 1200નો સુધારો થઇ 48500 ક્વોટ થતી હતી. સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ કોરોના વાયરસ અને ચીને વ્યાજદરમાં ઘટાડો કરતા ફંડામેન્ટલ મજબૂત બન્યાં છે.
આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો અને હેજફંડોનું પણ આકર્ષણ વધ્યું હોવાના કારણે સોનું વધી 1615 ડોલર અને ચાંદી 18.35 ડોલરની સપાટી કુદાવી છે. જોકે, સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમ અને પ્લેટિનમમાં તોફાની તેજી જોવા મળી હતી.
ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો રહ્યો હોવાની અસરે સ્થાનિક બજારમાં સુધારાને સપોર્ટ મળ્યો છે. બૂલિયન એનાલિસ્ટો આગામી સમયમાં સોનું 1630 ડોલર અને ત્યાર બાદ 1680 ડોલરની સપાટી દર્શાવી રહ્યાં છે જ્યારે ચાંદી 18.50 ડોલરની સપાટી કુદાવે તો 19.00 ડોલર સુધી પહોંચી શકે છે. જોકે, ચાંદીમાં હાલ તેજી સોના પાછળ આવી છે. પ્લેટિનમ ફરી 1000 ડોલરની સપાટી કુદાવી 1015 ડોલર ક્વોટ થઇ રહ્યું છે.
સ્થાનિકમાં સોનાના ભાવ વર્ષ 2020ના અંત સુધીમાં પ્રતિ 10 ગ્રામ 45000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. માર્ચમાં સોનું 43500ની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.