વિશ્વભરમાં ફેલાયેલા કોરોનાના રોગચાળાનો સામનો કરતા આરંભાયેલી કોરોનાની રસીની શોધ અને ટ્રાયલમાં અગ્રણી દાવેદારોને સાંપડેલી પ્રારંભિક સફળતાના પગલે મહામારીને નાથવાની આશા જન્મી છે ત્યારે રસીના ટ્રાયલમાં પણ પ્રવર્તતા રેસિઝમ સામે નિષ્ણાતોએ ચેતવણી આપી છે.ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા તેમજ મોડેર્ના દ્વારા હાથ ધરાયેલી ટ્રાયલ્સમાં અનુક્રમે 1000 તથા 45 પ્રયોગપાત્રોમાં 91 ટકા શ્વેત, પાંચ ટકા એશિયન અને એક ટકા અશ્વેત હોવાનું જણાયું છે.
ડ્યૂક યુનિવર્સિટીના સર્જન અને સંશોધક ઓલુવાડા મીલોલાએ જણાવ્યું હતું કે, રસીની ચકાસણીમાં વૈવિધ્યના અભાવ કે રેસિઝમથી રસીના વિકાસમાં આંધળુકિયું થવાની ભીતિ છે. લોકોને પ્રતિકૂળ આડઅસર ના થાય તે માટે વિવિધતા કે વિવિધ સમુદાયના લોકોને પણ પ્રાયોગિક ચકાસણીમાં સમાવવા જોઇએ કારણ કે હાઇપરટેન્શન, ડાયાબિટિસ તથા અન્ય તકલીફો તથા રોગ પ્રતિકારકશક્તિ અલગ અલગ હોઇ શકે. સંશોધનમાં પણ જણાયું છે કે, અલગ અલગ સમુદાયના લોકોમાં દવા અને સારવારનો પ્રતિભાવ અલગ અલગ હોય છે.
આ ઉપરાંત વધતી જતી વય વખતનો પ્રતિભાવ પણ મહત્વનો હોય છે. અમેરિકન સરકાર વૈવિધ્યસભર પ્રક્રિયાની હિમાયત કરતી હોવા છતાં અમેરિકન દવાઓની ચકાસણી ગોરાઓ આધારિત જ હોય છે. આવી ચકાસણીમાં પાંચ ટકા બ્લેક લોકોનો જ સમાવેશ થતો હોય છે. અમેરિકાની વસતીમાં 18 ટકા હિસ્પેનિક્સ હોવા છતાં ક્લિનિકલ ટ્રાયલમાં માત્ર 1 ટકાને જ સમાવાય છે.
ક્લિનિકલ રીસર્ચ પાથવેના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર માર્જોરી સ્પીયર્સે જણાવ્યું હતું કે, રસીના ટ્રાયલમાં પુરતી સંખ્યામાં બ્લેક્સ અને લેટિનોને સમાવાય તે જરૂરી છે. લઘુમતિઓને પણ નહીં સમાવાય તો આરોગ્ય વિષયક અસમાનતા જન્મશે. સ્પીયર્સે સૂચવ્યું હતું કે, દવા કંપનીઓએ વધુ અશ્વેત અને લેટિનો સ્ટાફને કામે લગાડવો જોઇએ.
અમેરિકામાં કોરોનાના ઉપદ્રવના છ માસ પછી પણ ટેસ્ટીંગ દ્વારા ચેપનું પગેરૂં મેળવવાની કામગીરી હજુ ઘણી ઓછી હોવા ઉપરાંત હેલ્થકેર સ્ટાફના સુરક્ષા સંસાધનો પણ ઓછા છે.
બાળકોના રોગના નિષ્ણાત રીયા બોઇડના કહેવા પ્રમાણે આ મહામારીમાં જો કોઇને વધારે સમર્થન મળતું હોય તો તે અસમાનતા છે. સંસાધનોની ફાળવણીમાં પણ વંશીય અસમાનતા પ્રવર્તે છે, નિર્ણયોમાં પણ વંશવાદ કે જાતિવાદનું પ્રતિબિંબ હોય છે.
