ભારતે કોરોના વેક્સિનના 200 કરોડ (2 બિલિયન)ના ડોઝની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ ભારતે 546 દિવસમાં મેળવી છે. 100 કરોડ ડોઝનો આંક પાર કરવામાં 277 દિવસનો સમય લાગ્યો હતો. 27 ઓગષ્ટ 2021ના દિવસે એક દિવસમાં જ 1 કરોડ રસીના ડોઝ મુકવામાં આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધુ 17 ડિસેમ્બર-2021ના રોજ 2.5 કરોડ ડોઝ લગાવાયા હતા. ભારતે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોવિડ વેક્સીનેશનની પ્રિકોશન ડોઝ 10 એપ્રિલથી શરૂ કરી હતી.
જોકે બૂસ્ટર ડોઝ માટે ભારતમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી, કારણ કે અત્યાર સુધી ફક્ત 5.62 કરોડ લોકોએ કોરોના રસીનો બુસ્ટર ડોઝ લીધો છે, જ્યારે દુનિયાના કેટલાય દેશોમાં તો નાગરિકોને રસીનો ચોથો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ પર ટ્વીટ કરીને લખ્યું કે ભારતે ફરી ઇતિહાસ રચ્યો છે. વેક્સીનના 200 કરોડ ડોઝનો વિશેષ આંકડો પાર કરવા પર તમામ ભારતીયોને અભિનંદન. એ લોકો પર ગર્વ છે, જેમણે ભારતના રસીકરણ અભિયાનની ગતિમાં અદ્વિતીય યોગદાન આપ્યું. આ લક્ષ્યને કોવિડ-19 વિરુદ્ધની વૈશ્વિક લડાઈને મજબૂત કરી છે.