સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાની રસી લેવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, સરકાર જનતાના હિત માટે નીતિ બનાવી શકે છે અને કેટલીક શરતો લાદી શકે છે. જસ્ટિસ નાગેશ્વર રાવ અને બીઆર ગવઈની બેન્ચે કહ્યું કે, બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિને સ્વતંત્રતાનો અધિકાર છે. આ તેની વ્યક્તિગત સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે. જો કે, કોર્ટે એમ પણ કહ્યું કે તે સંતુષ્ટ છે કે હાલની રસીકરણ નીતિને ગેરવાજબી અને સ્પષ્ટ રુપે મનસ્વી કહી શકાય નહીં.
કોર્ટે કહ્યું કે, કેટલીક રાજ્ય સરકારોએ એવા લોકોને જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મૂક્યો છે કે જેમણે રસી લીધી નથી. તે પ્રમાણસર નથી. જ્યાં સુધી કોરોનાના કેસ ઓછા છે ત્યાં સુધી આવા આદેશો પાછા ખેંચવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડ રસીકરણની પ્રતિકૂળ અસરો અંગેનો ડેટા સાર્વજનિક કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અરજી નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રૂપ ઓન ઈમ્યુનાઇઝેશન (NTAGI)ના પૂર્વ સભ્ય ડો. જેકબ પુલિયાલે દાખલ કરી હતી. જેકબે તેની અરજીમાં કોર્ટ પાસેથી રસીનું ક્લિનિકલ ટ્રાયલ અને રસી લીધા બાદ કોરોનાના કેસોને લઇને ડેટા જાહેર કરવાના નિર્દેશ આપવાની માંગ કરી હતી.