કોરોના વાઈરસની મહામારી વિશ્વના 195 દેશમાં ફેલાઈ ચૂકી છે. આ મહામારીમાં અત્યાર સુધીમાં વિશ્વભરમાં 21284 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 4 લાખ 71 હજાર લોકો તેનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. એક લાખ 14 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અમેરિકામાં કોરોના વાઈરસના સંક્રમણના કેસ સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અહીં બુધવારે કોરાના વાઈરસના કારણે 223 લોકોએ જીવ ગુમાવ્યો છે. 593 દર્દીઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અમેરિકામાં કુલ પોઝિટિવ કેસ 68203 નોંધાયા છે.
ચીનથી શરૂ થયેલા આ વાઈરસે સૌથી મોતી તબાહી ઈટાલીમાં મચાવી છે. અહીં 7503 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં એક દિવસમાં 5210 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસ 74386 થયા છે. ઈટાલીમાં ક્વારેન્ટાઈનનો ભંગ કરનારને જેલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે.
કોરોના વાઈરસને લઈને થયેલા એર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં થયેલા મોતમાં 80 ટકા લોકો 60 વર્ષથી મોટી ઉંમરના હતા. ચીનમાં કુલ 81285 કેસ નોંધાય છે, જેમાં 3287 લોકોના મોત થયા છે. ચીનમાં એક્ટિવ કેસનો આંકડો ચાર હજારની અંદર જતો રહ્યો છે, એટલે કે હાલ ચીનમાં 3947 કોરોના વાઈરસના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિએ કોરોના વાઈરસના સારવારના અનુભવને વિશ્વના તમામ દેશો સાથે શેર કરવાની વાત કરી છે.
કોરોના વાઈરસના સંક્રમણના કારણે સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 656 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક 3647 પહોંચી ગયો છે. સ્પેનમા મોતનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. સ્પેનના નાયબ વડાપ્રધાન કાર્મેન કાલ્વોનો રિપોર્ટ પણ બુધવારે પોઝિટિવ આવ્યો છે. તેમની તબીયત ચાર દિવસથી ખરાબ હતી. ઘરમાં આઈસોલેશનમાં રહીને જ સરકારી કામકાજ કરી રહ્યા હતા. સ્પેન સરકારે કાલ્વોના સ્ટાફ અને તેની સાથે કામ કરનાર દરેક વ્યક્તિને ક્વારેન્ટાઈનમાં રહેવાનો આદેશ કર્યો છે.
બ્રિટનના આરોગ્ય વિભાગે કહ્યું હતું કે અહીં છેલ્લા 24 કલાકમાં 1452 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 9529 થઈ ગઈ છે. અહી રોજ 25 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે. અહીં મૃત્યુઆંક 465 થયો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચના રોજ કોવિડ-19ને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી. આ મહામારીને ધ્યાનમાં રાખીને ફ્રાન્સે ઈરાકમાંથી પોતાની સેનાને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. આજથી ફ્રાન્સ સેનાને વતન પરત મોકલવાની શરૂઆત કરાશે.
કોરોના વાઈરસના પગલે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને દેવામાં રાહત આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે શ્રીલંકા જેવા વિકસતા દેશોની કોરોના વાઈરસ સામે લડવામાં આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. આ રાહતને અમે કોરોનાની મહામારી સામે લડવામાં વાપરીશું.