કોરોનાની મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે અને દરરોજ હજારો લોકો ટપોટપ તેનાં ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક અર્થતંત્ર પાયમાલ થઈ જવાની ખતરનાક આગાહી કરી હતી. યુએનનાં નિષ્ણાતોએ કહ્યું હતું કે જે રીતે કોરોના આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે અનેક દેશોમાં વેપાર ઉદ્યોગો અને ધંધા બંધ થઈ ગયા છે તેને જોતા ૨૦૨૦માં વૈશ્વિક ઈકોનોમીનો ગ્રોથ રેટ ૧ ટકા જેટલો ઘટી શકે છે. આને કારણે વિશ્વનાં અનેક દેશોમાં કારમી બેકારીનું મોજું ફરી વળશે અને ગ્લોબલ સપ્લાય ચેન તૂટી જશે.
આંતરરાષ્ટ્રીય વેપાર ધંધા અને ઉદ્યોગો પડી ભાંગવાનો સમગ્ર વિશ્વ પર ખતરો તોળાઈ રહ્યો છે તેવું ધૂંધળું ચિત્ર તેણે રજૂ કર્યું હતું. વૈશ્વિક ઈકોનોમી ૨.૫ ટકાનાં દરે વિકાસ કરશે તેવો અંદાજ રજૂ કરાયો હતો. યુએનનાં ડીપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ (ડ્ઢઈજીછ) એ કહ્યું હતું કે યોગ્ય નાણાકીય જવાબદારીઓ અને નાણાકીય શિસ્ત વિના જો આર્થિક પ્રવૃતિ અને ઉત્પાદન તેમજ સપ્લાય ચેન પરનાં અંકુશો ચાલુ રહેશે તો વિશ્વ ઈકોનોમી બરબાદીની ઉંડી ખાઈમાં ધકેલાઈ જશે.
યુએનનાં નિષ્ણાતોએ કહ્યું કે છેલ્લા ૧ મહિનાથી આશરે ૧૦૦ જેટલા દેશોએ તેની બોર્ડરો સીલ કરી છે અને એક દેશમાંથી બીજા દેશમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દીધો છે આને કારણે લોકોની અવરજવર ઠપ થઈ ગઈ છે અને ટૂરિઝમ ઉદ્યોગની બરબાદીનાં આરે આવીને ઊભો છે. કોરોનાગ્રસ્ત દેશોમાં હજારો લોકો સામે નોકરી ગુમાવવાની અને બેકારીનાં ખપ્પરમાં હોમાવાની તલવાર તોળાઈ રહી છે.
અનેક સરકારો દ્વારા કોરોનાથી ઉગરવા કરોડોનાં રાહત પેકેજ જાહેર કરાઈ રહ્યા છે જે આખી વૈશ્વિક ઈકોનોમીમાં મહામંદી સર્જશે. પરિણામે ૨૦૨૦માં વિશ્વ અર્થંતંત્રનો ગ્રોથ રેટ ૦.૯ ટકા ઘટશે. ૨૦૦૮-૦૯ની મંદી વખતે વિશ્વ ઈકોનોમીનો ગ્રોથ રેટ ૧.૭ ટકા રહ્યો હતો. જો સરકારો દ્વારા લોકોને ઈન્કમ સપોર્ટ આપવામાં નહીં આવે અને કન્ઝયુમર સપોર્ટ નહીં કરાય તો વિકાસ દરમાં પડનારૃં ગાબડું મોટું પણ હોઈ શકે છે.
યુએનનાં નિષ્ણાતોએ કહ્યું હતું કે વિશ્વ ઈકોનોમી પર અસર માટે બે ફેક્ટર કામ કરી રહ્યા છે પહેલું પરિબળ એ છે કે લોકોની અવરજવર પરનાં નિયંત્રણો કેટલા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને મહત્વની ઈકોનોમીમાં આર્થિક પ્રવૃતિ કેટલી ટકી શકે છે અને કેટલી ચાલી શકે છે. બીજું પરિબળ ક્રાઈસિસનો સામનો કરવા ઈકોનોમીનું કદ કેટલું છે અને તે કેવી રીતે કેટલું નાણાકીય શિસ્તનું પાલન કરે છે. યોગ્ય સ્ટીમ્યુલસ પેકેજ, લોકોનું આરોગ્ય બચાવવા માટેનાં ખર્ચને અગ્રતા અને લોકોને ઈન્કમ સપોર્ટ મંદીનાં પ્રમાણને ઘટાડવા મદદ કરી શકે છે.