યુએનના મહામંત્રી એન્ટોનિયો ગુટેરર્સે સલામતી સમીતીને ચેતવણી આપી છે કે કોરોના વાયરસની મહામારી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે ખતરો બની છે, અને એનાથી સંભવત: સામાજીક અશાંતિ અને હિંસામાં વધારો થતાં રોગચાળા સામે લડવાની આપણી શક્તિને મોટી અસર થશે.
કોવિડ-19 ફાટી નીકળ્યો અને વિશ્વના ખુણેખુણે પહોંચી લાવોને માંદા પાડી ચૂકયો ત્યાં સુધી યુએનની સૌથી શક્તિશાળી સંસ્થા અત્યારસુધી ચૂપ રહી હતી પણ હવે તેણે બંધબારણે બેઠક પછી નિવેદન જારી કર્યુ છે. સમિતિએ કોરોના મહામારીની અસર અને અસરગ્રસ્ત દેશો સંબંધી મહામંત્રીના તમામ પગલાને સમર્થન આપ્યું છે.
23 માર્ચે ગુટેરર્સે તમામ વૈશ્ચિક સંઘર્ષો માટે યુદ્ધવિરામની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોરોનાની આંતરરાષ્ટ્રીય, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સંઘર્ષ નિવારવાના પ્રયાસો અવરોધાયા છે, અને એ પણ એવા તબકકે જયારે એ સૌથી વધુ જરૂરી છે.
મહામંત્રીએ વૈશ્ચિક સુરક્ષા સામે અન્ય એક જોખમ તરફ અંગુલીનિર્દેશ કરતા જણાવ્યું હતું કે આતંકવાદીઓ ત્રાટકવાની તક જોઈ રહ્યા છે અને બાયોલોજીકલ આતંકી હુમલો કદાચ થઈ શકે છે. આ ઉપરાંત જાહેર સંસ્થાઓમાં લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આર્થિક અસ્થિરતા ચૂંટણી મોકુફ રહેવાથી રાજકીય તંગદીલી અને કેટલાક દેશોમાં અનિશ્ચિતતાથી વધુ ભાગલા અને ઉથલપાથલ થઈ રહ્યા છે.
મહામંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે 75 વર્ષ પહેલાં સ્થાપના થઈ એ પછી પહેલીવાર યુનાઈટેડ નેશન્સ ગંભીર અગ્નિપરીક્ષાનો સામનો કરી રહ્યું છે. આ એક પેઢીની લડત અને યુએન ખુદ માટે અસ્તિત્વનું કારણ છે.અમેરિકાએ વાઈરસ ચીન અથવા વુહાનમાં પેદા થયો હતો એનો ઠરાવમાં ઉલ્લેખ કરવા અને નિવેદન બ્લોક કરવા અમેરિકા દ્વારા પ્રયાસ થયો હતો, જેનો ચીને વિરોધ કર્યો હતો. આખરે એ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.