કોવિડ-19 મહામારી માટે અમેરિકાએ ભારત સહિતના 10 દેશો કરતાં પણ વધારે કોરોના ટેસ્ટ કર્યા છે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે. ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે કોરોના વિરુદ્ધ અમેરિકાની લડાઇ સતત ચાલુ છે. અત્યાર સુધી દેશના 41.80 લાખ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. વિશ્વના કોઇ પણ દેશ કરતા વધારે છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આયોજિત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે ફ્રાન્સ, બ્રિટન, દક્ષિણ કોરિયા, જાપાન, સિંગાપોર, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન અને કેનેડા એમ કુલ દસ દેશોમાં કોરોનાના કુલ જેટલા કેસ કરવામાં આવ્યા છે તેનાથી વધારે ટેસ્ટ ફક્ત અમેરિકામાં કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કમાં હવે આઠ દિવસના પહેલાના સમય કરતાં નવા કેસોની સંખ્યામાં ૫૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કે લોકડાઉનનો અમલ શરૂ કરવામાં વિલંબ કરનારા ઇટાલી અને સ્પેનને તેની ભારે કીંમત ચૂકવવી પડી છે. જો અમેરિકામાં પણ લોકડાઉનમાં વધુ વિલંબ કરવામાં આવ્યો હોત તો લાખો લોકોનાં મોત થયા હોત. ટ્રમ્પે કોરોના સામે લડી રહેલા પોતાના વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. સિએટલ, ડેટ્રોઇટ, ઓરલિયન્સ, ઇન્ડિયાનાપોલીસ અને હ્યૂસ્ટનમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત ઘટી રહી છે.
ટ્રમ્પે લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે દેશ સુરક્ષિત રહેવાનો છે. વહીવટી તંત્ર મોટા ભાગના રાજ્યો સાથે મળીને સારું કાર્ય કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકામાં લોકડાઉનનો વિરોધ વધી રહ્યો છે. એક તરફ સરકાર આરોગ્યનું કારણ આપી લોકડાઉન હટાવી રહી નથી તો બીજી તરફ લોકો અર્થતંત્રને બચાવવા માટે લોકડાઉનને હટાવવાની માગ માટે દેખાવો કરી રહ્યાં છે. જેના કારણે લોકડાઉન મુદ્દે રાજકારણ વધુ ઘેરાતુ જાય છે.