ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓને શોધવા માટે છેલ્લા ચોવીસ કલાકમાં 24,569 ટેસ્ટ કરવામાં આવતા નવા 1034 કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ ટેસ્ટનો આંક વધીને 9 લાખને પાર થઇ 9,03,782 થયો છે. એમાંથી 67,811 પોઝિટિવ કેસ મળ્યા છે.
બીજી તરફ નવા 917 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવતા એનો આંક 50,000ને પાર થઇ 50,322 થઇ ગયો છે. જોકે, ચોવીસ કલાકમાં વધુ 27 દર્દીનાં મૃત્યુ સાથે કુલ આંક 2584 સુધી પહોંચી ગયો છે. આમ, રાજ્યમાં રિકવરી રેટ 74.21 ટકા થયો છે, પરંતુ મૃત્યુ આંક પણ હજુ 3.94 ટકાની આસપાસ રહ્યો છે.
રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત શહેરમાંથી 184 અને ગ્રામ્યમાંથી 54 મળી કુલ 238 નવા કેસ ઉમેરાયા છે જ્યારે શહેરમાંથી પાંચ અને ગ્રામ્યનાં ચાર મળી કુલ નવ દર્દીના મૃત્યુ થયા છે. અમદાવાદમાં કુલ 151 કેસ નવા ઉમેરાયા છે એમાં શહેરના 137 કેસનો સમાવેશ થાય છે. જ્યારે શહેરના વધુ પાંચ દર્દીનાં મૃત્યુ કોવિડ સંક્રમણથી થયાનું સરકારે સ્વીકાર્યું છે.
વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે સતત કેસ વધ્યા છે. ચોવીસ કલાકમાં નવા 95 કેસ આવ્યા છે જ્યારે બે દર્દીનાં મૃત્યુ થયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી 23 કેસ મળ્યા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પાટનગર ગાંધીનગરમાંથી 13 કેસ અને માણસા, ગાંધીનગર, કલોલ, દહેગામ તાલુકામાંથી વધુ 19 કેસ મળ્યા છે.
સૌરાષ્ટ્રના ચાર શહેરોમાં જોઇએ તો સૌથી વધારે કેસ રાજકોટ શહેરમાંથી 71 નવા ઉમેરાયા છે અને બે દર્દીનાં મૃત્યુ તેમજ જિલ્લામાંથી વધુ 19 કેસ અને ત્રણ દર્દીનાં મૃત્યુ થયાનું સરકારે સ્વીકાર્યું છે. આ જ રીતે જામનગર શહેરમાંથી વધુ 26 કેસ અને એક દર્દીના મૃત્યુની પુષ્ટી કરાઇ છે. ગ્રામ્યમાંથી બે નવા કેસ મળ્યા છે. જૂનાગઢ શહેરમાંથી વધુ 26 કેસ અને ગ્રામ્યમાંથી 18 નવા કેસ ઉમેરાયા છે. ભાવનગર શહેરમાંથી 23 અને ગ્રામ્યમાંથી 21 મળી કુલ 44 કેસ નોંધાયા છે.
મહેસાણા જિલ્લામાંથી વધુ 34 કેસ મળ્યા છે. આ કેસ કડી, મહેસાણા, ઊંઝા, વિસનગર, વિજાપુર જેવા તાલુકા, નગરોમાંથી આવ્યા છે. એક દર્દીનું મૃત્યુ પણ થયું છે જ્યારે કચ્છ જિલ્લાનાં મુંદ્રા, ભુજ, અબડાસા જેવા વિસ્તારોમાંથી 27 કેસ મળ્યા છે. જિલ્લાના બે દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ પણ થયા છે. ખેડામાંથી નવા 21, અમરેલીમાંથી 20, પંચમહાલમાંથી 20, ભરૂચમાં 19 કેસ નોંધાયા છે.સુરેન્દ્રનગરમાંથી 18, વલસાડ 16, ગીર સોમનાથ 15,
મોરબી, સાબરકાંઠામાંથી 14-14 કેસ, બોટાદ 12, દાહોદ અને મહીસાગરમાંથી 11-11 કેસ નોંધાયા છે. આ સિવાય નવસારીમાંથી 9, પાટણ 7, આણંદ, નર્મદા 6-6, બનાસકાંઠા, તાપીમાંથી 2-2, અરવલ્લી, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાંથી 1-1 કેસ નવા ઉમેરાયા છે. હાલ રાજ્યમાં 14,905 એક્ટિવ કેસ છે. જેમાં 82 વેન્ટિલેટર ઉપર છે જ્યારે 14,823 સ્ટેબલ છે.