રાજ્યની ખાનગી લેબોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવાને લઇને મહત્વની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છેકે, આજથી રાજ્યભરમાં ખાનગી લેબોમાં કોરોનાના ટેસ્ટનો ચાર્જ ઘટાડીને 2500 કરવામાં આવ્યો છે. તેમજ જો આ ટેસ્ટ ઘરે બોલાવીને કરાવવામાં આવશે તો રૂ. 3 હજાર ચૂકવવાના રહેશે. ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, સરકારી હોસ્ટિલ અને લેબોરેટરીમાં કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવી રહ્યો છે. પરંતુ જો આ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવવો હોય તો એ માટે હવેથી રૂ. 2500 ચૂકવવાના રહેશે. નક્કી કરેલા ચાર્જથી વધારે ચાર્જ જો કોઇ લેબોરેટરી દ્વારા લેવામાં આવી રહ્યો હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ ખાનગી લેબની માન્યતા રદ કરવામાં આવશે.