ભારતમાં કોરોનાના કેસની સંખ્યા સોમવારે 60 લાખને વટાવી ગઈ હતી, જ્યારે રિકવર થયેલા લોકોની સંખ્યા પણ વધીને 50.17 લાખ થઈ હતી. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 82,170 નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવાર સવારના આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર કોરોનાથી દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 95,542 થયો છે અને છેલ્લાં 24 કલાકમાં 1,039 લોકોના મોત થયા હતા. દેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 9,62,542 છે, જે કુલ કેસના આશરે 15.85 ટકા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60,74,702 થઈ છે, જ્યારે 50,16,520 લોકો કોરોનામુક્ત થયા છે. આમ દેશમાં રિકવરી રેટ 82.58 ટકા રહ્યો છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 7.20 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. રવિવારે 7.09 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતમાં સાત ઓગસ્ટે કોરોનાના કેસ 20 લાખને અને 23 ઓગસ્ટે 30 લાખને વટાવી ગયા હતા. પાંચ સપ્ટેમ્બર સુધીમાં કુલ કેસ 40 લાખ અને 15 સપ્ટેમ્બર સુધીમાં કુલ કેસ 50 લાખ થયા હતા.