ભારતમાં કોરોનાના નવા કેસનો આંકડો આ મહિનામાં સાતમી વખત 40,000થી નીચો રહ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં નવા 38,772 કેસ સાથે કુલ આંકડો 94.31 લાખ થયો હતો. આની સામે દેશમાં આશરે 88.47 લાખ લોકો રિકવર થયા હતા.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સોમવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા અનુસાર ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 443 લોકોના મોત થયા હતા અને તેનાથી કુલ મૃત્યુઆંક વધીને 1.37 લાખ થયો હતો. દેશમાં કોરોનાના વાઇરસના કુલ કેસ 94,31,691 રહ્યાં હતા. આની સામે 88,47,600 લોકો રિકવર થયા હતા. તેનાથી રિકવરી રેટ 93.81 ટકા રહ્યો હતો. કોરોનાનો મૃત્યુદર 1.45 ટકા રહ્યો હતો. દેશમાં એક્ટિવ કેસ સતત 20માં દિવસે પાંચ લાખથી નીચો રહ્યો હતો. હાલમાં દેશમાં 4,46,952 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 4.74 ટકા થાય છે.
ICMRના જણાવ્યા અનુસાર 29 નવેમ્બર સુધીમાં આશરે 14,03,79,976 કોરોના ટેસ્ટ થયા હતા. છેલ્લાં 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 85, દિલ્હીમાં 68, પશ્ચિમ બંગાળમાં 54, કેરળમાં 27, હરિયાણામાં 26 અને ઉત્તરપ્રદેશમાં 24 લોકોના મોત થયા હતા.