દેશભરમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડાના ટ્રેન્ડની વચ્ચે કેન્દ્ર સરકારે બુધવારે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોનાના વધારાના નિયંત્રણોની સમીક્ષા, સુધારો અથવા તેને દૂર કરવાની સલાહ આપી છે. રાજ્ય સરકારોએ કોરોનાના નવા કેસ અને પોઝિટિવિટી રેટના ટ્રેન્ડની વિચારણા કર્યા બાદ આવી સમીક્ષા કરવી જોઇએ.
તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને મુખ્ય વહીવટદારોને મંગળવારે પાઠવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભુષણે જણાવ્યું હતું કે ભારતમાં 21 જાન્યુઆરીથી કોરોનાના કેસોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ગયા સપ્તાહ દરમિયાન સરેરાશ દેનિક કેસોની સંખ્યા 50,476 હતી અને છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 27,409 કેસ નોંધાયા હતા. મંગળવારે ડેઇલી પોઝિટિવિટી રેટ પણ ઘટી 3.63 ટકા થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે અગાઉના મહિનામાં કોરોનાના ઊંચા કેસોને પગલે કેટલાંક રાજ્યોએ તેમની સીમા અને એરપોર્ટ પર વધારાના નિયંત્રણો લાદ્યા હતા. કોરોના મહામારીના જાહેર આરોગ્ય પડકારોનો અસરકારક સામનો કરવાની જરૂર છે, પરંતુ રાજ્ય સ્તરના એન્ટ્રીપોઇન્ટ્સ પર લાદવામાં આવેલા વધારાના નિયંત્રણો દ્વારા લોકોની અવરજવર અને આર્થિક પ્રવૃત્તિ સામે અવરોધ ઊભો ન થાય તે બાબત પણ જેટલી જ મહત્ત્વની છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે હાલમાં દેશભરમાં કોરોનાના કેસોમાં સાતત્યપૂર્ણ ધોરણે ઘટાડો થઈ રહ્યો છે. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના રાજ્યોના નવા કેસ, એક્ટિવ કેસ અને પોઝિટિવિટી રેટના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને વધારાના નિયંત્રણોની સમીક્ષા અને સુધારો અથવા તેને દૂર કરે તે ઉપયોગી રહેશે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વ અને ભારતમાં કોરોના મહામારીના બદલાતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને વાઇરસના સંક્રમણ અને ફેલાવાને અંકુશમાં લેવા માટેની હાલની ગાઇડલાઇનની સમીક્ષા કરીને તેને અપડેટ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 10 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેની ગાઇડલાઇનની સમીક્ષા કરીને નિયમો હળવા બનાવ્યા છે.
જોકે ભૂષણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દૈનિક ધોરણે કોરોના કેસ અને ફેલાવાના ટ્રેન્ડ પર નજર રાખવી જોઇએ. રાજ્યો ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેશન-નિયમ પાલનની પાંચ મુદ્દાની વ્યૂહરચનાનું પણ પાલન કરી શકે છે. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ રાજ્યો અને કેન્દ્રીશાસિત પ્રદેશો લોકોના જીવન અને આજીવિકાને ઓછામાં ઓછી અસર થાય તે રીતે કોરોનાના પડકારોનો સામનો કરવાનું ચાલુ રાખશે.