ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ અને મોતની સંખ્યામાં મોટો ઘટાડા બાદ રાજ્ય સરકારે નાઇટ કરફ્યુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાની શુક્રવારે જાહેરાત કરી હતી. રાજ્યમાં શુક્રવારે કોરોનાના માત્ર 62 કેસ નોંધાયા હતા અને એકપણ મોત થયું ન હતું. અમદાવાદમાં 15, સુરતમાં 9 અને રાજકોટ-વડોદરામાં 6-6 કેસ નોંધાયા હતા.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રે 10 થી સવારે 6 રાત્રિ સુધી કરફ્યુનો અમલ કરાશે. આમ હવે ભૂજ, મોરબી, પાટણ, મહેસાણા, ભરૂચ, નવસારી, વલસાડ, અંકલેશ્વર અને વાપીમાં રાત્રી કરફયુ રહેશે નહીં.
કોર કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૦9:૦૦ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. વેપાર ધંધાના તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત લેવાનો રહેશે.
જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦9:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. લગ્ન સમારંભોમાં 150 વ્યક્તિઓની મંજૂરી રહેશે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે મહત્તમ 200 વ્યકિતઓ હાજર રહી શકશે. સરકારના નિર્ણય મુજબ ધોરણ 9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ અને ટ્યુશન ક્લાસિસ ક્ષમતાના મહત્તમ 50 % વિદ્યાર્થીઓ ચાલુ કરી શકાશે