istockphoto

ગુજરાતમાં હવે કોરોના વાયરસના કેસો ઘટીને તળિયે પહોંચવાની તૈયારીમાં છે ત્યારે કોરોના ગાઈડલાઈનના કેટલાંક નિયંત્રણો હળવા કરવા તેમજ નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના નિયમો હળવા કરવાનું સૂચન કર્યા બાદ રાજ્ય સરકારે આઠ શહેરોની જગ્યાએ માત્ર અમદાવાદ અને વડોદરામાં નાઇટ કર્ફ્યૂનો અમલ કરવાનો તથા લગ્ન માટે નોંધણી કરાવવાના નિયમને દૂર કરવાની જાહેરાત કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા હતા. હવે ગુજરાતના 2 મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તારીખ 18 ફેબ્રુઆરીથી તારીખ 25 ફેબ્રુઆરી સુધી રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આ પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજિટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં. તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.