ભારતમાં આશરે 300 જિલ્લામાં કોરોનાનો વીકલી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે અને લોકોએ ઓમિક્રોન વેરિયન્ટે એક સામાન્ય શરદી ગણવી જોઇએ નહીં અને વેક્સિન લેવી જોઇએ. કોરોનાના કેસોમાં વધારાને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ ચિંતાજનક રાજ્યો તરીકે ઊભરી રહ્યા છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતમાં કોરોનાના કેસોમાં તીવ્ર વધારો થયો છે. કેસ પોઝિટિવિટી 30 ડિસેમ્બરના રોજ 1.1 ટકા હતી, જે બુધવારે વધીને 11.05 ટકા જેટલી ઊંચી ગઈ હતી. વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 10 જાન્યુઆરીએ વિશ્વમાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 31.59 લાખ કેસ નોંધાયા હતા.
તેમણે જણાવ્યું હતું કે ભારતના 300 જિલ્લામાં હાલમાં વીકલી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી વધુ છે. 19 રાજ્યોમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 10,000થી વધુ છે. તેમણે વેક્સિનના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ટાંકીને જણાવ્યું હતું કે હોસ્પિટલાઇઝેશન સામે વેક્સિનની અસરકારકતા ઘણી ઊંચી છે.
નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વી કે પોલે જણાવ્યું હતું કે ઓમિક્રોન એ કોઇ સામાન્ય શરદી નથી, તેને હળવાથી લેશો નહીં. આપણે સાવધ રહેવું જોઇએ, વેક્સિન લેવી જોઇએ અને કોરોના નિયમોનું પાલન કરવું જોઇએ. કોરોના સામેની લડાઇમાં વેક્સિન એક મહત્ત્વનો આધારસ્થંભ છે.
ભારતમાં બુધવારે ઓમિક્રોનના કુલ 4,868 કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 1,281 કેસ, રાજસ્થાનમાં 645, દિલ્હીમાં 546, કર્ણાટકમાં 479 કેસ અને કેરળમાં 350 કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાનો એક્ટિવ કેસનું પ્રમાણ કુલ કેસના 2.65 ટકા થયો હતું, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ ઘટીને 96.01 ટકા થયો હતો.
દેશમાં કોરોનાના નવા 1.94 લાખ કેસ નોંધાયા, 442ના મોત
ભારતમાં ગુરુવારે કોરોનાના નવા 1.94 લાખ કેસ નોંધાયા હતા, જેમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને 4,868 થઈ હતી. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને આશરે 3.60 કરોડ થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10 લાખની નજીક એટલે કે 9.55 લાખ થઈ હતી, જે છેલ્લાં 211 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં કોરોનાનાને કારણે વધુ 442ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4.84 લાખ થયા હતો. ઓમિક્રોનના કુલ 4,868 કેસમાંથી 1,805 દર્દી રિકવર થયા છે.