દેશમાં કોરોનાના પોઝીટીવ કેસોમાં એક જ દિવસમાં 1000થી વધુ વધારાનો નવો રેકોર્ડ સર્જાયો છે અને મૃત્યુમાં પણ 40 દર્દીઓએ અંતિમ શ્ર્વાસ લેતા તે અત્યાર સુધીની સૌથી મોટી એક જ દિવસની ખુવારીનો આંક થયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં કોરોના પોઝીટીવની સંખ્યા 7618 થઈ છે. જો કે તેમાંથી 774 લોકોને રજા આપી દેવામાં આવી છે. અને કુલ મૃત્યુઆંક 249 નોંધાયો છે.
દેશમાં લોકડાઉન ચાલુ રાખવું કે કેમ તે અંગે આજે નિર્ણયના દિવસે આવેલા આંકડા સરકારને લોકડાઉન ઉઠાવવા પર બ્રેક મારે તેવી શકયતા છે. દેશનું આર્થીક પાર્ટનગર મુંબઈ સૌથી વધુ ચિંતા દર્શાવી રહ્યું છે અને હવે મહાનગરમાં આરોગ્ય કર્મચારીઓ પણ કોરોના પોઝીટીવ નોંધાઈ રહ્યા છે જેને કારણે રાજય સરકારની ચિંતા વધી ગઈ છે. મહારાષ્ટ્ર દેશમાં કોરોના પોઝીટીવની દ્દષ્ટિએ સૌથી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોના પોઝીટીવનો આંક 1500થી ઉપર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 224 નવા કેસ નોંધાયા છે. અને ધારાવીમાં 28 નવા કેસ થતા આ વિસ્તારને હવે ગમે ત્યારે સીલ કરે તેવી પણ સંભાવના છે.
મહારાષ્ટ્રમાં રોજના 1500 લોકોની મેડીકલ તપાસ થઈ રહી છે. બીજી તરફ દિલ્હીમાં 10 દિવસમાં કોરોનાના 87 નવા કેસ નોંધાતા પાટનગર પણ હવે 1000ના આંકડાને પાર કરી લે તેવી ધારણા છે. રાજયમાં અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ઈન્દોર પણ કોરોના હોટસ્પોટ બની રહ્યું છે. અહીં ગઈકાલે ત્રણ લોકોના મૃત્યુ થતા કોરોનાનો મૃત્યુદર સૌથી વધુ ઈન્દોરમાં હોવાનું માનવામાં આવે છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં કુલ 439 કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જેમાં આગ્રામાં સૌથી વધુ 92 કેસ છે.