દુનિયામાં કોરોનાના કેસોની કુલ સંખ્યા વધીને 21,613,183 થઇ છે, જ્યારે અમેરિકામાં કોરોનાના કેસોની સંખ્યા 55 લાખ થવાને આરે છે. અમેરિકામાં કોરોનાના સૌથી વધારે 5,403,213 કે, બીજા ક્રમે બ્રાઝિલમાં 3,340,197 કેસ અને ત્રીજા ક્રમે ભારતમાં 2,647,663 કેસ નોંધાયા છે.
જ્યારે મરણાંકમાં અમેરિકામાં સૌથી મોટો 170,052 છે, જ્યારે ચોથા ક્રમે ભારતમાં 50,921 મરણાંક નોંધાયો છે. દુનિયામાં કોરોનામાંથી સાજા થનારાની સંખ્યા 13,372,643 થઇ છે. સાજા થનારાની સંખ્યા બ્રાઝિલમાં સૌથી વધારે 2,655,017 નોંધાઇ છે જ્યારે ભારતમાં સાજા થનારાની સંખ્યા 1,919,842 નોંધાઇ છે.
અમેરિકામાં 27 જુલાઇથી દરરોજ કોરોનાના ચેપથી એક હજાર કરતાં વધારે લોકોના મોત નોંધાયા છે.માત્ર પાંચ દિવસ જ આ સરેરાશ એક હજાર કરતાં ઓછી રહી હતી. અમેરિકાના સીડીસીના જણાવ્યા અનુસાર પાંચ સપ્ટેમ્બર સુધીમાં મરણાંક વધીને 1,89,000 થઇ જશે.
દરમ્યાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં કોરોનાના નવા 282 કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા વધીને 23,576 થઇ છે. જ્યારે કોરોનાના કારણે 25 જણાના મોત થતાં મરણાંક વધીને 421 થયો છે. દરમ્યાન ન્યુ ઝીલેન્ડમાં વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડમાં કોરોના ફરી ફાટી નીકળવાને પગલે દેશની ચૂંટણીને એક મહિના માટે મુલતવી રાખવાની જાહેરાત કરી છે.
મલેશિયામાં સામાન્ય કોરોના વાઇરસ કરતાં દસ ગણો વધારે ચેપી કોરોના વાઇરસ મળ્યો છે. સંશોધકોએ તેનું નામ ડી614જી રાખ્યું છે. આ પ્રકારના વાઇરસ દુનિયામાં અન્ય સ્થળેથી પણ મળ્યા છે. મલેશિયામાં કોરોનાના કુલ 45 કેસો નોંધાયા છે.