અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને તાજેકતરમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના રોગચાળો પૂર્ણ થઇ ગયો છે. જોકે, તેની સામે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, આપણે આ મહામારીના અંતને જોઈ શકીએ છીએ એટલે તેનો અર્થ એવો નથી કે આપણે અંત તરફ આગળ વધી રહ્યા છીએ.
ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ ટ્રેડોસ એડહાનોમે, જણાવ્યું હતું કે, હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. જોકે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, વિશ્વમાં કોરોના મહામારીને નાબૂદ કરવાની આટલી સારી સ્થિતિમાં અગાઉ ક્યારેય નથી જોવા મળી, અંત નજીક છે તેમ કહી શકાય. ટેડ્રોસના જણાવ્યા મુજબ મહામારીનો અંત લાવવા માટે વિશ્વ અત્યાર સુધીની શ્રેષ્ઠ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે, અત્યારે અઠવાડિક મૃતકઆંકમાં ઘટાડો થઇ રહ્યો છે, જે આંકડો જાન્યુઆરી 2021માં ટોચ પર હતો, અને અત્યારે તેનો માત્ર 10 ટકા જેટલો જ રહ્યો છે.
આ ઉપરાંત વિશ્વભરમાં બે તૃતિયાંશ લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી આપવામાં આવી છે. તેમાં ત્રણ ચતુર્થાંશ હેલ્થ વર્કર્સ અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, હજુ એવા અનેક અંતરાયો છે, જો ધ્યાન નહીં આપીએ તો આપણને પરેશાન કરી શકે છે.