ભારતમાં એક દિવસમાં કોરોના વાઇરસના નવા 56,211 કેસ નોંધાયા હતા અને 271 લોકોના મોત થયા હતા. દેશમાં નોંધાયેલા કુલ કેસમાંથી 78.56 ટકા કેસ છ રાજ્યોમાં નોંધાયા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 1,20,95,855 થયા હતા, જ્યારે મૃત્યુઆંક વધીને 1,62,114 થયો હતો. દેશમાં કોરોનામાંથી રિકવર થયેલા લોકોની સંખ્યા 1,13,93,021 થઈ હતી. છેલ્લાં 24 કલાકમાં 37,028 લોકો કોરોનાથી રિકવર થયા હતા.
હાલમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં નવા કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે, દેશમાં છેલ્લાં 24 કલાકમાં કુલ કેસમાંથી આ રાજ્યોમાં 78.56 ટકા કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 31,643 નવા કેસ નોંધાયા હતા. પંજાબમાં 2,868 અને કર્ણાટકમાં 2,792 કેસ નવા કેસ નોંધાયા હતા.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલમાં દસ રાજ્યોમાં દૈનિક કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5,40,720 થઈ હતી. છેલ્લાં 24 કલાકમાં દેશમાં એક્ટિવ કેસમાં 18,912નો વધારો થયો હતો. દેશના કુલ એક્ટિવ કેસમાંથી મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને છત્તીસગઢમાં 79.64 કેસ હતા. દેશના કુલ 62 ટકા એક્ટિવ કેસ એકલા મહારાષ્ટ્રમાં હતા. દેશમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 6.11 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.