ભારતના આરોગ્ય મંત્રાલયે બુધવારે એક બેઠકમાં કોરોના વાઈરસનો રોગચાળો ફેલાતો રોકવા માટે 15 એપ્રિલ સુધી વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવાનો નિર્ણય લીધો હતો. જોકે, કેટલાક આવશ્યક વર્ગના વિઝા પર પ્રતિબંધ નથી મુકાયો. આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં આ જીવલેણ વાઈરસનો રોગચાળો ફેલાતો અટકાવવા અને તેનાથી બચવા માટેના ઉપાયો બાબતે ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં રાજદ્વારી, સરકારી, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રોજગાર અને પ્રોજેક્ટ વિઝા સિવાયના અન્ય તમામ પ્રકારના વિઝા 15 એપ્રિલ સુધી નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથે જ ઓસીઆઇ કાર્ડધારકો (વિદેશવાસી ભારતીય નાગરિકો)ને પણ વિઝા મુક્ત પ્રવાસની સુવિધા પર પણ 15 એપ્રિલ 2020 સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પ્રતિબંધ 13 માર્ચથી તમામ એરપોર્ટ પર અમલમાં આવી ગયો છે. સાથે જ સરકારે એવી પણ સલાહ આપી છે કે, જરૂર ન હોય ત્યાં સુધી ભારતમાં પ્રવેશ કરવો નહીં. સરકારના જણાવ્યા મુજબ આ ચેપથી બચવા માટે ભારત આવનારને ઓછામાં ઓછા 14 દિવસ સુધી અલગ રાખવામાં આવી શકે છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે, વિદ્યાર્થીઓ અને જરૂરી કામથી બહાર જનાર લોકોની ઝડપથી તપાસ કરાશે અને તેમને ચેપ ન લાગે તેવું જણાતું હોય તો વિદેશ જવા દેવામાં આવશે, પરંતુ પરત આવતા તેમને અલગ રાખવામાં આવશે. સરકારે જણાવ્યું છે કે, જમીન માર્ગે દેશમાં આવનારા તથા દેશમાંથી જનારાની સરહદી ચેકપોસ્ટ પર આરોગ્ય તપાસ કરવા યોગ્ય વ્યવસ્થા કરાશે. તેના માટે ગૃહ મંત્રાલય પછીથી માહિતી આપશે. બુધવારે મોડી સાંજે વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના વાઈરસના ચેપને મોટા રોગચાળાના જોખમરૂપ જાહેર કર્યો છે.
સંસ્થાના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ગીબ્રેયસૂસે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ જેટલો મોટો રોગચાળો અત્યાર સુધી ક્યારેય ફેલાયો નથી. ગ્રીબયસૂસે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વિશ્વના 114 દેશોમાં કોરોના વાઈરસના ચેપના કેસ નોંધાયા છે, જેમાંથી 90 ટકા કેસ ચીન અને કોરિયા સહિતના ચાર દેશોમાં છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 125, 000થી વધુ કેસ નોંધાયા છે અને 4600થી વધુ લોકોના મૃત્યુ થયા છે.
સંસ્થાના જણાવ્યા મુજબ સરકારો પોતાના નાગરિકોમાં આ ચેપની તપાસ કરે, તેમને બીજાથી અલગ કરે, તેમની સારવાર કરે અને લોકોને તેના વિશે જણાવે તો તેના ફેલાવાની ગતિ પર મહદ્અંશે નિયંત્રણ મેળવી શકાય તેમ છે. ભારતીય આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા સંજીવ કુમારના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશમાં આ ચેપના 60 કેસ નોંધાયા છે. નવા કેસમાં આઠ કેરળમાં છે અને દિલ્હી-રાજસ્થાનમાં એક-એક કેસ છે.