NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI3_24_2021_001010003)

ભારતમાં કોરોના વાઇરસના એક દિવસમાં 47,262 નવા કેસ નોંધાયા હતા અને 275 વ્યક્તિના મોત થયા હતા. કોરોનાના આ નવા દૈનિક કેસો 132 દિવસમાં સૌથી વધુ છે, જ્યારે મોતની સંખ્યા 83 દિવસમાં સૌથી વધુ છે. દેશમાં કોરોના કુલ કેસની સંખ્યા વધીને 1,17,34,058 થઈ હતી અને મૃત્યુઆંક વધીને 1,60,441 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.

આ પહેલા સૌથી વધુ કોરોના કારણે થનારા મૃત્યુ 30 ડિસેમ્બરના રોજ 300 નોંધાયા હતા. મંગળવારે કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો ઊંચો ગયો એ પહેલા સોમવારે 197 અને રવિવારે 213 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો.

દેશમાં 24 કલાકમાં નોંધાયેલા કુલ મૃત્યુમાંથી મહારાષ્ટ્રમાં અડધા જેટલા એટલે કે 134નાં મોત નોંધાયા હતા. 123 દિવસ પછી રાજ્યમાં એક સાથે આટલા બધા મોત નોંધાયા હતા. 20 નવેમ્બરના રોજ અહીં 155 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. પંજાબમાં પણ કોરોનાના કારણે થતા મૃત્યુનો આંકડો ઊંચો ગયો હતો, અહીં મંગળવારે 53 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે છત્તીસગઢમાં 20 અને કેરળમાં 10 તથા તામિલનાડુમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

મહારાષ્ટ્રમાં રવિવારે 30,535 કેસ નોંધાયા પછી મંગળવારે બીજા નંબરે રાજ્યના સૌથી વધુ 28,699 કેસ નોંધાયા હતા. જ્યારે મુંબઈમાં 3000 કરતા વધુ (3,514) નવા કેસ નોંધાયા હતા.

આ ઉપરાંત 12 રાજ્યમાં જાન્યુઆરીથી કે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાતા કેસનો રેકોર્ડ તૂટ્યો હતો, જેમાં ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 1,730 નવા કેસ નોંધાયા હતા. 5 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવેમ્બર પછીના સૌથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં કર્ણાટકામાં 14 નવેમ્બર પછી સૌથી વધુ 2,010 કેસ નોંધાયા હતા. આ પછી છત્તીસગઢ (1,910 કેસ, 23 નવેમ્બર પછી સૌથી વધુ કેસ નોંધાયા), મધ્યપ્રદેશ (1,502, 29 નવેમ્બર પછી સૌથી વધુ કેસ), તામિલનાડુ (1,437, 29 નવેમ્બર પછી સૌથી વધુ કેસ) અને પોંડિચેરી (87, 11 નવેમ્બર પછી સૌથી વધુ કેસ)માં સૌથી વધુ કેસ નોંધાયા હતા.

દિલ્હીમાં 1,101 નવા કેસ નોંધાયા હતા, જે 19 ડિસેમ્બર પછીના સૌથી વધુ કેસ છે. હરિયાણામાં 895 નવા કેસ નોંધાયા હતા, જે 14 ડિસેમ્બર પછી સૌથી વધુ છે. ઉત્તરપ્રદેશમાં નવા 638 કેસ નોંધાયા હતા, જે 10 જાન્યુઆરી પછી સૌથી વધુ કેસ છે. આ સિવાય આંધ્રપ્રદેશ (492), તેલંગાણા (412), ઝારખંડ (130) અને બિહાર (111)માં પણ નવા કેસમાં વધારો નોંધાયો હતા.

તાજેતરમાં માત્ર 5-6 રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધતા હતા પરંતુ હવે કેરળ અને ઉત્તર-પશ્ચિમના રાજ્યોને છોડીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશામાં પણ નવા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ભારતમાં એક્ટિવ કેસનો આંકડો 3.5 લાખને પાર કરીને 3.7 લાખની નજીક પહોંચી ગયો હતો. સોમવારે એક્ટિવ કેસના આંકડામાં 25,000 કરતા મોટો ઉછાળો નોંધાયો હતો. એટલે કે માત્ર પાછલા 3 દિવસમાં આંકડો 3 લાખને પાર કરીને પોણા ચાર લાખની નજીક પહોંચવા આવ્યો છે.