કોરોના વાયરસને લઈને દેશભરમાં ડરનો માહોલ પેદા થયો છે. આ વચ્ચે સ્વાસ્થય મંત્રાલયે વાયરસની વેક્સીનને લઈને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 14 દિવસોમાં આપણો ડબલિંગ રેટ 8.7 રહ્યો છે. જ્યારે કે, 7 દિવસોમાં તે 7.2 હતો, ગત બે દિવસોમાં તે લગભગ 10.9 રહ્યો છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે, ગત 7 દિવસોમાં 80 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી.
ગત 28 દિવસોમાં 17 જિલ્લાઓમાં કોઈ કોરોનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. દેશભરમાં કોરોના વાયરસનો આતંક મચેલો છે. આ સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. તાજા આંકડા પર નજર કરીએ તો, કોરોનાના કેસ મામલે દેશમાં અત્યાર સુધી કુલ 29435 કેસ સામે આવ્યા છે.
6869 લોકો કોરોના વાયરસથી રિકવર થઈ ચૂક્યા છે. તેમજ 934 લોકોના આ મહામારીને કારણે મોત નિપજ્યા છે. ગત 24 કલાકમાં દેશમાં 1543 નવા કેસ સામે આવ્યા છે અને 62 લોકોના મોત નોંધાયા છે. ચોંકાવનારા આંકડા એ છે કે, ગત 24 કલાકમાં આ આંકડો કોરોનાના મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.