ગુજરાતમાં કોરોનાના કેસોમાં સોમવારે વધારો થયો હતો. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 315 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,732 રહી હતી.
રાજ્ય સરકારે સોમવારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાં 24 કલાકમાં 272 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. તેનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા કુલ 2,61,281 થઈ હતી. રાજ્યનો રિકવરી રેટ પણ 97.70%એ પહોંચ્યો હતો. ગુજરાતના પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોવિડના કેસો વધતા ચેકપોસ્ટ ઉભી કરીને આ રાજ્યોમાંથી આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ ચાલુ કરવામાં આવ્યું હતું.
છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં 72, સુરતમાં 52, વડોદરામાં 68 તેમજ રાજકોટમાં 42 નવા કેસ નોંધાયા હતા. કુલ 1732 એક્ટિવ કેસમાંથી 30 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં હતા. જ્યારે 1702 લોકોની સ્થિતિ સ્ટેબલ હતી. અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4406એ પહોંચ્યો હતો.
રાજ્યમાં અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ એમ 10 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8,13,582 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. લોકોને ટેસ્ટિંગ સુવિધા નજીકમાં મળી રહે તે માટે વધુ ટેસ્ટિંગ બુથ પણ ઉભા કરવામાં આવશે.
